પંચમહાલની ઘોઘંબા તાલુકાના રણજીતનગર વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ (GFL) ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. બનાવની જાણ થતા રાજગઢ પોલીસ તેમજ ફાયર બ્રિગેડ-ટેકનીકલ ટીમ તરત ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી.
ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં દોડધામ
ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓ સહિત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પણ ગેસની ભયંકર લીકેજને કારણે અંદર પ્રવેશવું મુશ્કેલ હતું, જો કે, ભારે જહેમત બાદ લોકોને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
20ને ગંભીર અસર અને 1નું મોત
ગેસ લીકેજમાં 20થી વધુ કામદારોને ગંભીર અસર થઈ છે તેમજ 1નું મોત થયું છે. ઇજાગ્રસ્તોને બે અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે.
''મૃતક પૂજારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું''
જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, 'ઘોઘંબા તાલુકામાં એક કંપની આવેલી છે જ્યાં ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. જેના પગલે પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક અહીં આવી પહોંચ્યું હતું. જે ઘટનામાં 12 લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે જ્યારે 1નું મોત થયેલું છે. જ્યાં એક મંદિર છે અને ત્યાં હંમેશા માટે પૂજા થતી હોય છે અને પૂજારી પૂજા કરવા આવતા હોય છે, મૃતક પૂજારી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે''.