logo-img
Farmers Will Benefit Greatly After Gst Reduction

GST ઘટાડા પછી ખેડૂતોને થશે મોટો લાભ : ટ્રેક્ટર, જંતુનાશક દવાઓ તેમજ આ વસ્તુ થશે સસ્તી!, રાજ્ય સરકારે પણ આપી મોટી રાહત

GST ઘટાડા પછી ખેડૂતોને થશે મોટો લાભ
Published by: Offbeat Team
| Last Updated: Sep 10, 2025, 06:29 AM IST

વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને ખૂબ જ મોટી રાહત મળી છે. કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન એટલે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12 ટકા તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને ઘટાડી હવે 5 ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની રૂ. 1,00,000 સબસીડી ઉપરાંત અંદાજીત બીજા રૂ.35 થી 45 હજાર જેટલો ફાયદો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે તા. 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેથી રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ખરીદીની સમય મર્યાદામાં કર્યો વધારો

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે, કૃષિ યાંત્રીકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને તા. 22 સપ્ટેમ્બરથી અગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ ૩૫ થી ૪૫ હજાર જેટલો નાણાકીય લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જંતુનાશક દવાઓ પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતો 12 ટકા જીએસટી તેમજ સિંચાઈ ક્ષેત્રે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂરી ડ્રીપ અને સ્પ્રિંકલર સાધનો પરના 12 ટકા જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે. તેવી જ રીતે, સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા 12 ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાંખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now