છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસતો ભારે વરસાદ હવે ધીમો પડ્યો છે. મંગળવારે કચ્છ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ અન્યત્ર કોઈ ભારે વરસાદની આગાહી નથી. આગામી પાંચ દિવસ સુધી માત્ર છૂટાછવાયા અને સામાન્ય વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ, નલિયાથી લગભગ 260 કિમી દૂર રહેલું દબાણ હવે પાકિસ્તાન તરફ ખસી ગયું છે. 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:30 વાગ્યે તે કરાચી નજીક સ્થિત હતું. આગામી 12 કલાકમાં આ દબાણ પોતાની તીવ્રતા ગુમાવીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર તરફ ખસશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠે પવનની ઝડપ 45 થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે મહત્તમ 65 કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. બનાસકાંઠાના સુઇગામ સહિતના 17 ગામોમાં પૂરનું પાણી ઘૂસી જતાં જીવન વ્યવહાર અસ્તવ્યસ્ત થયો છે. રસ્તાઓ તૂટી જતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ઘરો તથા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પશુધન પણ પૂરનાં પાણીમાં ફસાયું છે.
SDRFની ટીમો તથા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે. બોટ અને મશીનોની મદદથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યું છે, તેમ છતાં પરિસ્થિતિ ચિંતાજનક જ છે.