Home Gujarat Acb Raids Gandhinagar Municipal Corporation Assistant Municipal Commissioner Charge Caught Taking Bribe Of Rs 1 Lakh

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા : ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 03:01 PM IST

Gandhinagar News: ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી 100000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે ઘટનાની વિગત?

આ કેસની વિગત મુજબ, ફરીયાદી એક જાગૃત નાગરિક છે અને વાહનોના ઓર્થોરાઈઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ-વેચાણનો વ્યવસાય કરે છે. તાજેતરમાં તેમણે વેચેલા એક વાહનના ટેક્સ ભરવા બાબતે મહાનગરપાલિકામાં કેટલીક વિસંગતતાઓ ઉભી થઈ હતી. આ બાબતે આરોપી ઉપેન્દ્રકુમાર ક્રાંતિલાલ સુતરીયા (ઇન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર તથા ટેક્સ કલેક્ટર, વર્ગ-1) એ ફરીયાદી સામે કાયદેસરની કાર્યવાહી ન કરવા અને તેમની એજન્સીનું લાયસન્સ રદ ન કરવાના અવેજ પેટે રૂપિયા 1,00,000/-ની લાંચની માંગણી કરી હતી.

ACB નું સફળ ટ્રેપિંગ

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકાનું આયોજન કર્યું હતું. આજે તા.20/03/2026ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આરોપીની ઓફિસમાં જ લાંચના નાણાં સ્વીકારતી વખતે એસીબીએ તરાપ મારી હતી. આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના અધિકારીઓએ તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટીમ અને સુપરવિઝન

આ સફળ ટ્રેપિંગની કામગીરીમાં એમ.એમ.સોલંકી (પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી), ડી.એ.ચૌધરી (ઇન્ચાર્જ મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ) અને હરેશ મેવાડા (નાયબ નિયામક, અમદાવાદ) જેવા અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ગાંધીનગર જેવા મહત્વના શહેરમાં ક્લાસ-1 અધિકારીની ધરપકડથી વહીવટી તંત્રમાં મોટી ચર્ચાઓ જાગી છે. એસીબી દ્વારા હવે આરોપીની મિલકતો અને અન્ય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now