NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓના મુદ્દે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશવ્યાપી ‘છાત્રો કી ગૂંજ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર લીક, પરીક્ષા રદ થવી, પરિણામોમાં વિલંબ અને ભરતી પ્રક્રિયાની અનિશ્ચિતતાના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી છે. આ મુદ્દે કોંગ્રેસ આગામી 40 દિવસ દરમિયાન દેશના 28 મુખ્ય શહેરોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચીને વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવશે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો ઊભો થયો હોવાનો આરોપ
અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સતેજ પાટીલે જણાવ્યું હતું કે હાલની પરીક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને પેપર લીક જેવી ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓ અને નોકરીની તૈયારી કરતા યુવાનોમાં ભારે નિરાશા ફેલાઈ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પરીક્ષાઓને પારદર્શક રીતે યોજવામાં નિષ્ફળ રહી છે.
તેમણે જણાવ્યું કે ‘છાત્રો કી ગૂંજ’ અભિયાનનો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓનો અવાજ બનવાનો છે જેમની વર્ષોની મહેનત પેપર લીક, પરીક્ષા રદ થવી, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને વ્યવસ્થાની ખામીઓના કારણે બરબાદ થઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ કોઈ વિશેષ સુવિધા નહીં પરંતુ માત્ર નિષ્પક્ષ પરીક્ષા અને સમયસર ભરતીની માંગ કરી રહ્યા છે.
પત્રકાર પરિષદ દરમિયાન NEET પેપર લીક બાદ નિરાશાના કારણે જીવન ટૂંકાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થી કહાન પ્રશાંતભાઈ પટેલને પણ યાદ કરવામાં આવ્યા હતા.
પેપર લીક હવે રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ હોવાનો દાવો
અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં દેશભરમાં અનેક પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના કારણે કરોડો ઉમેદવારો પ્રભાવિત થયા છે. તેમણે દાવો કર્યો કે પેપર લીક હવે કોઈ એકલદોકલ ઘટના નહીં પરંતુ એક સંગઠિત નેટવર્કનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, જેમાં વિવિધ એજન્સીઓ, પરીક્ષા કેન્દ્રો અને અન્ય તત્વોની સંડોવણી અંગે સમયાંતરે પ્રશ્નો ઊભા થયા છે.
તેમણે માંગ કરી હતી કે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સાથે જ NTA, પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષા કેન્દ્રો અને ડિજિટલ સિસ્ટમ સહિત સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવે.
28 શહેરોમાં અભિયાન, 9 ઓગસ્ટે ‘દિલ્હી ચલો’
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 30 જૂનથી દેશના 28 શહેરોમાં પત્રિકા વિતરણ, નુક્કડ સભાઓ અને વિદ્યાર્થી સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. જુલાઈ મહિના દરમિયાન કેમ્પસ સંપર્ક કાર્યક્રમો, સાપ્તાહિક પ્રવૃત્તિઓ અને આંબેડકર સંવાદ યોજાશે.
આ ઉપરાંત 1 ઓગસ્ટ 2026ના રોજ તમામ 28 શહેરોમાં કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અભિયાનના પ્રથમ તબક્કાનું સમાપન 9 ઓગસ્ટે ‘દિલ્હી ચલો’ કાર્યક્રમ સાથે કરવામાં આવશે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓને એકત્રિત કરીને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની યોજના છે.
કોંગ્રેસે વિદ્યાર્થીઓને આ અભિયાન સાથે જોડાવા માટે મિસ્ડ કોલ નંબર 9873036161 જાહેર કર્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને www.chhatronkigoonj.in પર નોંધણી કરાવવા અપીલ પણ કરવામાં આવી છે.
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ ઉઠાવ્યા પ્રશ્નો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં મોટી સંખ્યામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને અનેક શાળાઓ એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. તેમના જણાવ્યા અનુસાર શિક્ષણ ક્ષેત્રે જરૂરી માળખાકીય સુધારા અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી સમયની માંગ છે.
ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણને સેવા અને રાષ્ટ્ર નિર્માણના સાધન તરીકે જોવાની જરૂર છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય ન હોવું જોઈએ.





