દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ અરેસ્ટ કૌભાંડો સામે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ‘ઓપરેશન ચક્ર-VI’ હેઠળ CBIએ દેશના 16 રાજ્યોમાં એકસાથે 80થી વધુ સ્થળોએ દરોડા પાડી સાયબર ઠગાઈના સંગઠિત નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ચેન્નાઈ અને કોલકાતાથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ શેલ કંપનીઓ બનાવવી, મ્યુલ બેંક એકાઉન્ટ ખોલવા અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર રકમને ફેરવવામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
CBIના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્યવાહી દેશભરમાં નોંધાયેલા 200થી વધુ ડિજિટલ અરેસ્ટ કૌભાંડો સાથે જોડાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આ ઓપરેશન માટે 60 વિશેષ ટીમોની રચના કરી હતી, જેમણે વિવિધ રાજ્યોમાં એકસાથે કાર્યવાહી હાથ ધરી હતી.
16 રાજ્યોમાં એકસાથે દરોડા
CBIએ પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિત કુલ 16 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન અને બેંકિંગ વ્યવહારો સાથે સંબંધિત રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા તમામ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર નેટવર્કની કામગીરી અને તેમાં સામેલ લોકો વિશે વધુ માહિતી મેળવી શકાય.
સુપ્રીમ કોર્ટ જેવી નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે ઠગાઈ
તપાસ દરમિયાન CBIએ એક એવી ફ્રોડ વેબસાઇટનો પર્દાફાશ કર્યો હતો જે દેખાવમાં ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવી લાગતી હતી. આરોપીઓએ કથિત રીતે સુપ્રીમ કોર્ટના નામનો ઉપયોગ કરીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું અને તેમને ડિજિટલ અરેસ્ટના નામે ઠગવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી તરફથી ફરિયાદ મળ્યા બાદ CBIએ FIR નોંધાવી હતી અને સઘન તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ નકલી કોર્ટ ઓર્ડર, પોલીસ નોટિસ અને કાયદા અમલવારી એજન્સીઓના ખોટા દસ્તાવેજો તૈયાર કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા.
શેલ કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ દ્વારા રૂપિયા ફેરવાતા હતા
CBIની પ્રાથમિક તપાસ અનુસાર આરોપીઓએ અનેક શેલ કંપનીઓની રચના કરી હતી અને મ્યુલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આશરે 2 કરોડ રૂપિયાની શંકાસ્પદ રકમને એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. આ સમગ્ર નાણાકીય વ્યવસ્થા કૌભાંડથી મળેલી રકમને છુપાવવા અને તેને કાયદેસર દેખાડવા માટે ઉભી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
ચેન્નાઈ અને કોલકાતામાંથી ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. તપાસ એજન્સી હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અને સંસ્થાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
વિદેશી નાગરિકો પણ બન્યા હોવાની શક્યતા
CBIને તપાસ દરમિયાન એવા સંકેતો પણ મળ્યા છે કે આ જ નેટવર્ક દ્વારા માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ અન્ય કેટલાક દેશોના નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે. આ મુદ્દે સંબંધિત દેશોની કાયદા અમલવારી એજન્સીઓને યોગ્ય માધ્યમો દ્વારા જાણ કરવામાં આવી રહી છે.
સાયબર ગુનેગારો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત નેટવર્ક બનાવીને વિવિધ દેશોના નાગરિકોને નિશાન બનાવી રહ્યા હોવાની શક્યતા સામે આવી છે. આ કારણે તપાસને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે.
ડિજિટલ અરેસ્ટ સ્કેમ શું છે?
તાજેતરના સમયમાં ડિજિટલ અરેસ્ટ સ્કેમ ઝડપથી વધતો સાયબર ગુનો બની ગયો છે. આવા કિસ્સાઓમાં ઠગો પોતાને પોલીસ, CBI, ED, કોર્ટ અધિકારી અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે. ત્યારબાદ તેઓ લોકોને ખોટા કેસ, મની લોન્ડરિંગ અથવા અન્ય ગુનાઓમાં સંડોવણીનો ડર બતાવી વીડિયો કોલ અથવા ફોન દ્વારા માનસિક દબાણ ઉભું કરે છે.
ઘણા કિસ્સાઓમાં નકલી કોર્ટ ઓર્ડર અને સરકારી દસ્તાવેજો બતાવીને લોકોને મોટી રકમ ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કૌભાંડો દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે.





