Home Gujarat Man Arrested For Drug Ging Passengers And Stealing Cash And Atms

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન! : અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 12:06 PM IST

અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબી (LCB) ટીમે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જે ટ્રેનમાં મુસાફરોનો વિશ્વાસ જીતી, તેમને નશીલી દવા પીવડાવીને તેમનો કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરતો હતો. આ આરોપી માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશની ટ્રેનોમાં પોતાનો શિકાર શોધતો હતો.

ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી

આરોપી અમિતકુમાર ઠાકુરની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે ટ્રેનના સ્લીપર કોચમાં ટિકિટ બુક કરાવીને મુસાફરી કરતો હતો. મુસાફરી દરમિયાન એકલ-દોકલ મુસાફર સાથે તે મિત્રતા કરતો અને પછી ખાણીપીણીની વસ્તુઓમાં 'અલ્પ્રાઝોલમ' નામની ઊંઘની દવા ભેળવી દેતો હતો. મુસાફર બેહોશ થતાં જ તે કિંમતી દાગીના, રોકડ અને ખાસ કરીને મોબાઈલના સીમકાર્ડ તથા એટીએમ કાર્ડની ચોરી કરતો હતો.

4 પાસ છતાં ટેકનોલોજીનો જાણકાર

આરોપી માત્ર ધોરણ 4 સુધી ભણેલો છે, પરંતુ તેની ચોરી કરવાની રીત માસ્ટર માઈન્ડ જેવી હતી. તે આખો મોબાઈલ ફોન ચોરવાને બદલે માત્ર તેમાંથી સીમકાર્ડ કાઢી લેતો હતો. આ સીમકાર્ડ અને ચોરેલા એટીએમ કાર્ડની મદદથી તે પિન બદલીને બેંક ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લેતો હતો. તે દર મહિને 15 દિવસ માટે ટુર પર નીકળતો અને દિલ્હીથી શરૂ કરી યુપી, બિહાર, બંગાળ, કેરળ અને ગુજરાત સુધીના રાજ્યોમાં ટ્રેનોમાં શિકાર કરતો હતો.

પોલીસનો ફિલ્મી વેશપલટો અને ધરપકડ

અમદાવાદ રેલવે LCB ના પીઆઈ જયદીપ દેસાઈ અને તેમની ટીમે CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી વિશેની જાણકારી મેળવી. આરોપી દિલ્હીમાં હોવાની જાણ થતા પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસે દિલ્હીના હૈદરપુર વિસ્તારમાં સાત દિવસ સુધી મજૂર, ફુગ્ગા વેચનાર અને લારીવાળા બનીને આરોપીના ઘરની આસપાસ રેકી કરી હતી. જેવો આરોપી ઘરે આવ્યો કે તરત જ પોલીસે તરાપ મારી તેની ધરપકડ કરી લીધી હતી.

25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો

આ ધરપકડથી સમગ્ર રાજ્ય અને દેશમાં બનેલા રેલવે ચોરીના અંદાજે 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી વર્ષ 2022 થી આ રીતે ગુનાઓને અંજામ આપી રહ્યો હતો.

રેલવે પોલીસની મુસાફરોને ખાસ અપીલ

અમદાવાદ પશ્ચિમ રેલવેના DYSP ચેતન મુંધવાએ મુસાફરોને સાવચેત રહેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ચા, બિસ્કીટ, પાણી કે અન્ય વસ્તુઓ ખાવી જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે અથવા તમારી સાથે આવો કોઈ બનાવ બને, તો તાત્કાલિક રેલવે હેલ્પલાઈન નંબર 139 પર સંપર્ક કરવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now