Home Gujarat Major Police Action In Sarkhej Massacre Crime Scene Reconstruction Done At The Scene With Accused

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી : આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 09:54 AM IST

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ‘ઠાકોરવાસ’માં માત્ર એક સોશિયલ મીડિયા સ્ટેટસના વિવાદમાં ખેલાયેલા લોહિયાળ ખેલ મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બે દિવસ પહેલા જૂની અદાવત અને મોબાઈલ સ્ટેટસમાં અપશબ્દો લખવા મુદ્દે થયેલી જૂથ અથડામણમાં એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ચકચારી કેસમાં સરખેજ પોલીસે અત્યાર સુધીમાં કુલ ૬ માંથી ૫ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસના ભાગરૂપે આજે પોલીસ કાફલો આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં ગુનાનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિવાદની શરૂઆત મોબાઈલ ફોનમાં મુકાયેલા એક સ્ટેટસથી થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને અંતે હત્યામાં પરિણમી હતી. હાલમાં પાંચેય આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેમની કડક પૂછપરછ ચાલી રહી છે.

સોશિયલ મીડિયા સ્ટેટસ અને જૂની અદાવતે લીધો યુવકનો જીવ

ઘટનાની વિગતો મુજબ, આ કેસમાં ફરિયાદી આશિષ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં સામેવાળા પક્ષને ઉદ્દેશીને કેટલીક વાંધાજનક અને અપશબ્દોવાળી પોસ્ટ મૂકી હતી. આ બાબતે સામેના પક્ષના લોકોએ આશિષને સ્ટેટસ હટાવી લેવા માટે સમજાવ્યો હતો. જોકે, આશિષે સ્ટેટસ હટાવવાનો ઇનકાર કરતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વધતા બંને પક્ષના લોકો લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં ગણેશ નામના યુવક પર ઘાતક હુમલો થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે જયેશ અને નરેશ ઠાકોર નામના અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસે ૫ આરોપીઓને ઝડપ્યા, ઘટનાસ્થળે તપાસ તેજ

હત્યાના આ ગંભીર ગુના બાદ સરખેજ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી અત્યાર સુધીમાં ૫ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આજે રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓને સાથે રાખીને ઠાકોરવાસમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં આરોપીઓએ ગુનો કેવી રીતે આચર્યો, હુમલો કરવા માટે તેઓ ક્યાંથી અને કયા વાહન પર આવ્યા હતા, તે તમામ બાબતોનું ઘટનાસ્થળ પર ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ પંચનામા દ્વારા પોલીસ કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવા માંગે છે.

રિમાન્ડ દરમિયાન ખૂલશે અનેક રહસ્યો

પકડાયેલા પાંચેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ હત્યા પાછળ માત્ર તાત્કાલિક ઉશ્કેરણી જવાબદાર હતી કે પછી કોઈ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઉલટતપાસમાં અન્ય કેટલીક વિગતો અને ગુનામાં વપરાયેલા હથિયારો વિશે પણ માહિતી મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now