Home Gujarat Gas Cylinders In Dhanera Mla Mawjibhai Desai Writes Letter To The Collector Demanding Inclusion In The Urban Category

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી : ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 09:07 AM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રાંધણ ગેસના બાટલા મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક ન હોવાને કારણે અને લાંબા વેઇટિંગ લિસ્ટને લીધે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લેતા ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ વહીવટી તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત પત્ર પાઠવીને ધાનેરા વિસ્તારને 'ગ્રામીણ'માંથી 'અર્બન' (શહેરી) કેટેગરીમાં સમાવવા માટે ધારદાર રજૂઆત કરી છે.

ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, ધાનેરા જેવો મોટો વિસ્તાર કે જ્યાં ગ્રાહકોની સંખ્યા ૨૬ હજારથી પણ વધુ છે, તેને ગ્રામીણ કેટેગરીમાં રાખવામાં આવતા ગેસનો જથ્થો ઓછો ફાળવાય છે. જેના કારણે ગૃહિણીઓથી લઈને નાના વેપારીઓ સુધીના તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે. ગેસ ઓફિસોની બહાર સવારથી જ લાંબી લાઈનો જોવા મળે છે, છતાં લોકોને ખાલી હાથે પરત ફરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

45 દિવસનું લાંબુ વેઇટિંગ: ૨૬ હજાર ગ્રાહકો રામભરોસે

ધાનેરામાં કાર્યરત ગેસ એજન્સી પાસે ૨૬ હજારથી પણ વધુ રજિસ્ટર્ડ ગ્રાહકો છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં આ વિસ્તારનો સમાવેશ 'રૂરલ' એટલે કે ગ્રામીણ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. નિયમ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ગેસનો સ્ટોક મર્યાદિત ફાળવવામાં આવે છે, જેના પરિણામે અત્યારે ધાનેરામાં ગેસ રિફિલિંગ માટે ૪૫-૪૫ દિવસ સુધીનું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. સમયસર બાટલા ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે અને ગેસ ઓફિસના ધક્કા ખાઈને લોકો થાકી ગયા છે.

ધંધા-રોજગાર પર માઠી અસર: કોમર્શિયલ બાટલાની પણ અછત

ધાનેરામાં માત્ર ઘરવપરાશના ગેસ જ નહીં, પરંતુ કોમર્શિયલ ગેસના બાટલાની પણ ભારે અછત સર્જાતા સ્થાનિક અર્થતંત્ર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ બાબતે ગંભીરતાથી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ગેસનો પૂરતો જથ્થો ન મળવાને કારણે સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ અને ભોજનાલયોના વ્યવસાય પર ખૂબ જ ખરાબ અસર પડી છે. ખાસ કરીને ચાની કિટલીઓ અને નાસ્તાના લારી-ગલ્લા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે. જો વેપારીઓને સમયસર કોમર્શિયલ ગેસના બાટલા ઉપલબ્ધ નહીં થાય, તો અનેક નાના ધંધા-રોજગાર બંધ થવાની કમનસીબ સ્થિતિ સર્જાઈ શકે છે.

આ ઉપરાંત, બજારમાં જરૂરી સ્ટોકના અભાવને કારણે ગેસના બાટલાનું બ્લેક માર્કેટિંગ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ઊંચા ભાવે બાટલા ખરીદવા મજબૂર બનેલા વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી રહી છે. તંત્ર દ્વારા જો તાત્કાલિક ધોરણે ગેસનો પુરવઠો વધારવામાં નહીં આવે, તો ધાનેરાના વેપારી વર્ગમાં વધતો જતો રોષ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

અર્બન કેટેગરીમાં સમાવેશ એ જ એકમાત્ર ઉકેલ

ધારાસભ્યએ ભારપૂર્વક જણાવ્યું છે કે, જો ધાનેરાને તાત્કાલિક ધોરણે 'અર્બન કેટેગરી'માં સમાવવામાં આવે, તો ગેસના જથ્થામાં વધારો થઈ શકે છે અને વેઇટિંગ પિરિયડમાં ઘટાડો લાવી શકાય તેમ છે. ૨૬ હજાર ગ્રાહકોના હિતમાં અને ધાનેરાના વેપાર-ઉદ્યોગને બચાવવા માટે પુરવઠા વિભાગ વહેલી તકે યોગ્ય નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ગેસની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો જનતાનો રોષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now