Home Gujarat Surat Varachha Police Arrest Accused Who Was Absconding After Committing Murder For 18 Year

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ : માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 02:33 PM IST

Surat News: કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, એક દિવસ તો પોલીસના સકંજામાં આવે જ છે. સુરતની વરાછા પોલીસે આ વાત સાબિત કરી બતાવી છે. વર્ષ 2008માં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા ખૂંખાર આરોપીને પોલીસે છેક ઝારખંડના ગાઢ જંગલોમાંથી ઝડપી પાડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2008માં સુરતના વરાછા વિસ્તારમાં નજીવી બાબતે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. આરોપી રાજેશ રાયે માત્ર 50 રૂપિયાની ઉઘરાણી બાબતે બબલુ નામના યુવક સાથે ઝઘડો કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે રાજેશ રાયે બબલુની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો.

18 વર્ષ સુધી પોલીસને થાપ આપી

હત્યાકાંડ બાદ આરોપી રાજેશ રાય પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં ભટકતો રહ્યો હતો. તે સતત પોતાનું ઠેકાણું બદલતો રહેતો જેથી પોલીસ તેના સુધી પહોંચી ન શકે. છેલ્લા 18 વર્ષથી વરાછા પોલીસ માટે આ કેસ એક પડકાર બની રહ્યો હતો.

પોલીસનો ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ

વરાછા પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજેશ રાય ઝારખંડના દુમકા જિલ્લાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. આ વિસ્તારમાં બહારની વ્યક્તિ પર નજર રાખવી અને ઓપરેશન પાર પાડવું ખૂબ મુશ્કેલ હતું. આરોપીને શંકા ન જાય તે માટે વરાછા પોલીસની ટીમે આદિવાસીઓનો વેશ ધારણ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ સતત 7 દિવસ સુધી જંગલના વિસ્તારોમાં આદિવાસી બનીને રહ્યા અને આરોપીની હિલચાલ પર નજર રાખી. યોગ્ય તક મળતા જ પોલીસે કોર્ડન કરી રાજેશ રાયને દબોચી લીધો હતો.

ન્યાયની આશા જીવંત

લાંબા સમય બાદ આરોપી પકડાતા મૃતક બબલુના પરિવારને હવે ન્યાય મળવાની આશા જાગી છે. વરાછા પોલીસની આ કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now