Home Gujarat Unseasonal Rains In Surendranagar Cause Damage To Cumin And Fennel Plants Farmers Devastated

કુદરત રૂઠી : કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 10:16 AM IST

સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાત સહિત ઝાલાવાડ પંથકમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગાજવીજ અને ફૂંકાતા પવન સાથે ત્રાટકેલા વરસાદને કારણે ખેતરોમાં લહેરાતો મોલ જમીનદોસ્ત થઈ ગયો છે. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને જે પાક પર ખેડૂતોએ આશા બાંધી હતી, તે કુદરતી આફતમાં ધોવાઈ જતાં હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જિલ્લાના મુખ્ય પાકો એવા કપાસ, જીરૂ અને વરિયાળીમાં વ્યાપક નુકસાન થતાં હવે ખેડૂતો સરકાર પાસે વહેલી તકે સર્વે કરી સહાયની ગુહાર લગાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે, જ્યાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતો હવે રોકડિયા અને બાગાયતી પાકો તરફ વળ્યા છે. ચાલુ વર્ષે શિયાળુ અને ઉનાળુ પાકનું પુષ્કળ વાવેતર થયું હતું અને પાક સારો ઉતરે તેવી આશાએ ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ અચાનક ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે આ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

ચોટીલા, મૂળી અને ધ્રાંગધ્રા પંથકમાં ખેતરો બન્યા બેટ: જીરૂ-વરિયાળીના પાક નષ્ટ

ઝાલાવાડના ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકામાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં જીરૂ, ઇસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોનો સોથ વળી ગયો છે. ખાસ કરીને જીરૂનો પાક તૈયાર થવાના આરે હતો ત્યારે જ વરસાદ ખાબકતા દાણો કાળો પડી ગયો છે અથવા ખરી પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, એક તરફ મોંઘી દવાઓ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે અને બીજી તરફ કુદરતે તૈયાર ભાણેથી કોળિયો ઝૂંટવી લીધો છે.

ખેડૂતોની વેદના: "હજારોનું રોકાણ કર્યું પણ હાથમાં રાખ આવી"

સ્થાનિક ખેડૂતો વનરાજસિંહ સોલંકી અને ગોવિંદભાઈ પરમારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ અનુકૂળ જણાતા તેમણે દેવું કરીને પણ ખેતીમાં મોટું રોકાણ કર્યું હતું. મજૂરો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ વાવાઝોડા સાથે આવેલા વરસાદે કપાસ અને મગફળી જેવા પાકોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં હવે લણણી કરવી પણ મુશ્કેલ બની છે. ખેડૂતોને હવે આર્થિક સંકટનો ડર સતાવી રહ્યો છે.

તાત્કાલિક સર્વે અને પાક વીમાની માગ: સરકાર ક્યારે સાંભળશે?

ભારે નુકસાની બાદ હવે સુરેન્દ્રનગરના ખેડૂતોમાં સરકાર સામે રોષ અને આશા બંને જોવા મળી રહ્યા છે. સ્થાનિક ખેડૂત દિલીપસિંહ જાદવ સહિતના આગેવાનોએ માગ કરી છે કે:

  • સરકાર દ્વારા તાત્કાલિક અસરથી દરેક તાલુકામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે.

  • અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ યોગ્ય આર્થિક સહાય જાહેર કરવામાં આવે.

  • ખેડૂતોના પાક વીમા અને કૃષિ ધિરાણમાં રાહત આપવામાં આવે.

હવે જોવાનું એ રહે છે કે, સરકાર અને વહીવટી તંત્રના "બાબુઓ" ક્યારે એરકન્ડિશન ઓફિસમાંથી બહાર નીકળીને ધરતીપુત્રોની પીડા સાંભળશે અને ક્યારે સહાયનો હાથ લંબાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now