Home Gujarat Mini Cyclone Insurat Turns Water On Farmers Hard Work

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન : સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 02:41 PM IST

Surat News: શહેરમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો અને ઇજારદારોમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.

લાખોનું નુકસાન, મહેનત એળે ગઈ

જહાંગીરપુરા વિસ્તારમાં મોટા પાયે આંબાવાડીઓ આવેલી છે. અહીં ઇજારદારો દ્વારા ખેડૂતો પાસેથી જમીન રાખીને ભારે જહેમત બાદ કેરીનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, કુદરતી આફત સામે માનવી લાચાર સાબિત થયો છે.

પ્રાથમિક અંદાજ મુજબ, આશરે 6 થી 7 લાખ રૂપિયાના કેરીના પાકને સીધું નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ નીચે પડી ગઈ છે. જમીન પર પછડાવાને કારણે કેરીઓ દબાઈ ગઈ છે અને અંદરથી ખરાબ થઈ ગઈ છે. જે કેરી પાકીને બજારમાં વેચાવા જવાની હતી, તે હવે ખરાબ થઈ જતાં તેને ફેંકી દેવા સિવાય ઇજારદારો પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

સરકાર પાસે સહાયની આશા

વર્ષભરની મહેનત અને લાખોના રોકાણ બાદ હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતો લાચાર બન્યા છે. ઇજારદારો અને ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો વળતર નહીં મળે તો આગામી વર્ષે ખેતી કરવી મુશ્કેલ બની જશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે, રાત-દિવસ એક કરીને પાક તૈયાર કર્યો હતો, પણ કુદરતે મિનિટોમાં બધું ખેદાન-મેદાન કરી નાખ્યું. હવે સરકાર જ અમારો છેલ્લો સહારો છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now