Home Gujarat Rajkot Customers Outraged After Seeing A Cockroach Crawling On A Sandwich At Rajkot Inox Canteen

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી! : કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 03:15 PM IST

રાજકોટ: શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટના જાણીતા આર વર્લ્ડ (R-World) INOX સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થો પર જીવજંતુઓ ફરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ મલ્ટીપ્લેક્સમાં મળતા મોંઘા નાસ્તાની સ્વચ્છતા સામે સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહકો દ્વારા પકડી પાડવામાં આવેલી આ બેદરકારી બાદ પણ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલો 'લૂલો બચાવ' અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે સમગ્ર ઘટના?

ગઈકાલે ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે અંદાજે ૭:૧૫ વાગ્યાના શોમાં 'ધુરંધર' ફિલ્મ જોવા ગયેલા એક જાગૃત નાગરિક જ્યારે ઇન્ટરવેલ દરમિયાન નાસ્તો કરવા કેન્ટીન પાસે પહોંચ્યા, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. કેન્ટીનના કાઉન્ટર પર રાખવામાં આવેલી સેન્ડવીચ પર એક મોટો વંદો ખુલ્લેઆમ આંટા મારી રહ્યો હતો. ગ્રાહકે તાત્કાલિક પોતાનો મોબાઈલ કાઢી આ દ્રશ્ય કેદ કરી લીધું હતું. પ્રીમિયમ ટિકિટ અને મોંઘા ભાવનો નાસ્તો વેચતા સિનેમા હોલમાં આવી ગંદકી જોઈને અન્ય મુસાફરોમાં પણ ફાળ પડી હતી.

'આ તો માત્ર ડિસ્પ્લે છે' – મેનેજરનો વિચિત્ર તર્ક

જ્યારે ગ્રાહકે આ બાબતે કેન્ટીન સ્ટાફ અને મેનેજરનું ધ્યાન દોર્યું, ત્યારે પરિસ્થિતિ સુધારવાને બદલે મેનેજમેન્ટે વિચિત્ર બચાવ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટાફ કહી રહ્યો છે કે, "આ સેન્ડવીચ માત્ર ડિસ્પ્લે (પ્રદર્શન) માટે રાખવામાં આવી છે, અમે ગ્રાહકોને આ પીરસતા નથી." જોકે, ગ્રાહકે વળતો સવાલ કર્યો હતો કે જો ડિસ્પ્લેમાં રાખેલી વસ્તુ પર વંદા ફરતા હોય, તો તેની બાજુમાં રાખેલા અન્ય ખાદ્ય પદાર્થો કેટલા સુરક્ષિત હશે? ભારે દલીલો બાદ સ્ટાફે ત્યાંથી સેન્ડવીચ હટાવી લીધી હતી.

મનપાના ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો

રાજકોટ મહાનગરપાલિકા (RMC) નું ફૂડ વિભાગ નાની લારીઓ પર દરોડા પાડવા માટે જાણીતું છે, પરંતુ મોટા મોલ અને મલ્ટીપ્લેક્સમાં ચાલતી આવી ગંભીર બેદરકારી સામે હજુ સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. વીડિયો વાયરલ થયાના કલાકો બાદ પણ ફૂડ વિભાગ દ્વારા કોઈ તપાસ કે સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નિયમિત ચેકિંગની ઉઠી માંગ

શહેરના સિનેમા હોલ્સમાં પોપકોર્ન, સેન્ડવીચ અને કોલ્ડ ડ્રિંક્સ બજાર કરતા અનેકગણા ઊંચા ભાવે વેચાય છે. ગ્રાહકો પ્રીમિયમ સર્વિસના નામે મોટી રકમ ચૂકવે છે, તેમ છતાં સ્વાસ્થ્ય સાથે થતા આવા ચેડાં ચલાવી શકાય નહીં. જાગૃત નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગ માત્ર કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આ તમામ મલ્ટીપ્લેક્સની કેન્ટીનનું નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now