Home International Why Is There Storm Like Rain In Gujarat Right Now This Rare System 1000 Km Long Surprised Even Scientist

ચોંકાવનારો ખુલાસો : ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 12:20 PM IST

Rain Band Is Bringing Storms In India: દેશમાં છેલ્લા 24 કલાકથી હવામાનનો મિજાજ બદલાયેલો છે. હવામાનશાસ્ત્રીઓ આ પાછળનું કારણ એક દુર્લભ પશ્ચિમી વિક્ષોભ (Western Disturbance) અને એક હજાર કિલોમીટર લાંબો 'રેન બેન્ડ' ગણાવી રહ્યા છે. આબોહવા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય પશ્ચિમી વિક્ષોભ તેની સંરચનાને કારણે અત્યંત દુર્લભ છે, કારણ કે તેની 'ટ્રફ' (ઓછા દબાણની રેખા) લગભગ એક હજાર કિલોમીટર સુધી સીધી રેખામાં ફેલાયેલી છે. પોતાની આ અસામાન્ય રચનાને કારણે તે ભયાનક વાવાઝોડા અને ગાજવીજ સાથેના વાદળો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.

અચાનક આવતા આ ફેરફારનું શું કારણ?

ગુજરાત, દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું મુખ્ય કારણ એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. હાલ એક સાઈક્લોનિક સર્ક્યુલેશન છે અને હાલ ઉત્તરી પાકિસ્તાન ઉપર બનેલું છે. આ સિસ્ટમના કારણે 40-80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તો કરા પણ પડ્યા છે. હિમાલયી વિસ્તારોમાં હળવાથી મધ્યમ બરફવર્ષા પણ જોવા મળી છે. આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે તે વિશેષ કહેવાય છે. આ એક સીધા ટ્રફ સ્વરૂપમાં છે, જેણે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ઉપર લગભગ 1000 કિમી લાંબી વરસાદની પટ્ટી જેવું બનાવ્યું છે. માર્ચના અંતમાં જેટ સ્ટ્રીમ નબળી થઈને ઉત્તર બાજુ ખસે છે જેનાથી આવી દુર્લભ સિસ્ટમ બને છે. પરંતુ આ વખતે આ ખુબ સક્રિય છે.

ત્રણ-ત્રણ દેશોમાં તોફાન

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઉનાળો શરૂ થતા જ પાછો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મૂસળધાર વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. હવામાનના આ વિચિત્ર ફેરફારને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તોફાન આવી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં મોટા કરા પણ પડ્યા છે. સામાન્ય રીતે માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમી પોતાનું જોર પકડતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે.

હવામાનનું ચક્ર

સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ એક્સ્ટ્રા-ટ્રોપિકલ સાયક્લોન હોય છે. જે મેડિટેરેનિયન લો (ભૂમધ્ય સાગરના ઓછા દબાણ) થી શરૂ થઈને ઉત્તર-પૂર્વ તરફ વળે છે. શિયાળામાં તે બરફવર્ષા અને શીતલહેર લાવવા માટે જવાબદાર હોય છે. પરંતુ આ વખતે તેનાથી ઉલટું, અત્યારે જે સીધી 'ટ્રફ' બની છે, તેમાં હવામાન બદલવાની પેટર્ન ખૂબ ઝડપથી વધી રહી છે, જેનો અંદાજ લગાવવો સરળ નથી.

શુક્રવારે કેવી સ્થિતિ રહેશે?

પશ્ચિમી વિક્ષોભ શુક્રવારે પણ હવામાનમાં વિચિત્ર ફેરફારો બતાવવાનું ચાલુ રાખશે. પશ્ચિમ હિમાલય અને આસપાસના મેદાની વિસ્તારોમાં તેની ગતિવિધિઓ જળવાઈ રહેશે, જોકે બાદમાં તેની તાકાતમાં ઘટાડો થશે. ત્યારબાદ 22 માર્ચથી એક નવો અને નબળો પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના પછી સ્થિતિ સામાન્ય થવા લાગશે.

દિલ્હી-NCR માટે આગાહી

શુક્રવાર રાત સુધી હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ઝાપટાં અને 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું રહેશે.

હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે હાલમાં ઉત્તર પાકિસ્તાન પર 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' તરીકે છે, તે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં મોટા પાયે વરસાદ, વાવાઝોડું અને કરા પાડી રહ્યું છે. ગુરુવારે હિમાલયી ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ થયો હતો, જ્યારે દક્ષિણ કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં પણ વરસાદ સાથે અનેક રાજ્યોમાં કરા પડ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now