Home Gujarat Theft Of Rs 1460 Lakhs In Dholera Solved Ahmedabad Rural Lcb Nabs Two Habitual Smuggler

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો : અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 02:50 PM IST

Ahmedabad News: ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. આશરે ₹14,60,000 ની મતાની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ કાર સાથે દબોચી લીધા છે.

CCTV ફૂટેજ અને ગાડીએ ખોલ્યો ગુનાનો ભેદ

ધોલેરામાં થયેલી આ મોટી ચોરી બાદ પોલીસ હરકતમાં આવી હતી. LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ઘટનાસ્થળની આસપાસના અનેક સીસીટીવી કેમેરાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ મારુતિ એસ-ક્રોસ (S-Cross) ગાડી નજરે પડી હતી. આ ગાડીના આધારે કડીઓ મેળવી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત

પોલીસે આ મામલે બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે, જેમના નામ નીચે મુજબ છે. જગદીશ કુમાર ઉર્ફે ગુરખા: મૂળ નેપાળ (કાઠમંડુ) નો રહેવાસી અને હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રકાશ ઉર્ફે બકો ઉર્ફે ગબ્બર પાલ: રહેવાસી- વટવા, અમદાવાદ. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ને સોંપ્યા છે.

ગુનાહિત ઇતિહાસ અને વોન્ટેડ આરોપી

પકડાયેલા આરોપીઓ કોઈ સાધારણ તસ્કર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે. જગદીશ ગુરખા વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 10 ગુના નોંધાયેલા છે. પ્રકાશ ઉર્ફે બકો વિરુદ્ધ પણ 2 ગુના નોંધાયેલા છે. આ કેસમાં હજુ એક મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. ભલાભાઇ ફુલાભાઈ તળપદા (દેવીપૂજક), જે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ઉદરા ગામનો રહેવાસી છે, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વોન્ટેડ આરોપી ભલા વિરુદ્ધ અગાઉ 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now