Home Gujarat Gathiya Took Away An Old Womens Jewellery By Luring Him With Free Clothes And Biscuits At Vadodaras Mangal Bazaar

લાલબત્તી સમાન કિસ્સો : મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 10:28 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ગઠિયાઓ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અત્યંત વ્યસ્ત અને હાર્દ સમાન ગણાતા ન્યાય મંદિર વિસ્તારમાં ધોળા દિવસે એક વૃદ્ધાને નિશાન બનાવી છેતરપિંડી આચરવામાં આવી છે. ગઠિયાઓએ વૃદ્ધાને લાલચ આપી તેમની સોનાની બંગડીઓ ઉતરાવી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની વિગતો મુજબ,65 વર્ષીય ધનુબેન ઓડ મંગળ બજાર ખાતે કટલરીનો સામાન ખરીદવા માટે આવ્યા હતા. આ દરમિયાન બે ગઠિયાઓએ તેમની પાસે આવીને વાતચીત શરૂ કરી હતી. ગઠિયાઓએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે, "આગળ મફતમાં બિસ્કિટ અને કપડાં વહેંચાઈ રહ્યા છે." ધનુબેન કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ આ ગઠિયાઓએ પોતાની વાતોની જાળ બિછાવી દીધી હતી. મફત વસ્તુઓ મેળવવાની લાલચમાં ગઠિયાઓએ વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડીઓ અત્યંત ચાલાકીપૂર્વક કાઢી લીધી હતી અને ત્યાંથી પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.

વાડી પોલીસ એક્શનમાં: CCTV ફૂટેજના આધારે ગઠિયાઓની શોધખોળ
આ અંગે માહિતી આપતા જણાવે છે કે, "હું નવ વાગ્યે ઘરેથી નીકળી હતી અને સામાન લેવા ગઈ હતી. સામાન લઈને પાછી વળી ત્યારે ગેટ આગળ ઉભી રહી, એટલે પેલા લોકો (ગઠિયાઓ) આવ્યા અને મને આ બાજુ લઈ આવ્યા અને કહ્યું કે 'અહીંયા દાન આપે છે'. પછી ત્યાં મારી પાસે બંગડીઓ કઢાવી અને કહ્યું કે, 'આ બધું કાઢી નાખો નહીંતર દાન નહીં આપે'. એટલે મેં બંગડીઓ કાઢીને મારા પાકીટમાં મૂકવાની વાત કરી, પણ એમણે ના પાડી અને કહ્યું કે 'અંદર નાખશો તો લેડીઝ ચેક કરશે'. પછી મેં પાકીટમાં બંગડીઓ મૂકી અને એ લોકોએ મારી પાસેથી પાકીટ લઈને થેલીમાં નાખી દીધું અને એમાંથી કાઢીને ભાગી ગયા."

મહત્વનું છે કે, વૃદ્ધાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર મામલે જાણ થતા જ વાડી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભોગ બનનાર વૃદ્ધાની પ્રાથમિક ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગઠિયાઓ કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા માટે પોલીસે લહેરીપુરા અને મંગળ બજાર વિસ્તારમાં લાગેલા વિવિધ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે,ન્યાય મંદિર અને મંગળ બજાર જેવા અત્યંત ભીડભાડવાળા વિસ્તારોમાં ગઠિયાઓ અવારનવાર વૃદ્ધો અને એકલી જતી મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હોય છે, જે બાબતે વડોદરા પોલીસે હવે લાલબત્તી ધરી છે. આ પ્રકારની છેતરપિંડીની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે, રસ્તા પર ચાલતા કોઈ પણ અજાણ્યા શખ્સોની વાતોમાં આવીને કિંમતી સોનાના ઘરેણાં કે રોકડ રકમ ક્યારેય અજાણી વ્યક્તિને સોંપવી નહીં. ગઠિયાઓ અવનવી યુક્તિઓ અજમાવીને વિશ્વાસ કેળવતા હોય છે, પરંતુ નાગરિકોએ પોતાની સુરક્ષા માટે સતર્ક રહેવું અત્યંત અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now