Home Gujarat Vadodara Western Railway Mumbai Indore Ac Superfast Special Train Summer Vacation Dahod Stoppage

રેલવે મુસાફરો માટે ખુશખબર : ઉનાળુ વેકેશનમાં ભીડને પહોંચી વળવા મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડશે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Western Railway, Summer Special  Mumbai Indore Train
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 04:00 AM IST

Summer Special Train: ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. વતન જતા લોકો અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને અને ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ઈન્દોર વચ્ચે ખાસ ભાડા સાથે AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ટ્રેન શરૂ થવાથી ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે. મહત્વની વાત એ છે કે, આ ટ્રેનને દાહોદ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક મુસાફરો તેમજ વેપારી વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બંને દિશામાં કુલ 34 ફેરાનું આયોજન

રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કુલ 17-17 ફેરા કરશે. આ સુવિધા આગામી 29 જૂન સુધી ચાલુ રાખવામાં આવશે. વેકેશન દરમિયાન કન્ફર્મ ટિકિટ મેળવવા માટે વલખા મારતા પ્રવાસીઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.

ટ્રેનનું સમયપત્રક અને રૂટની વિગત

મુસાફરોની જાણકારી માટે ટ્રેનના સમયમાં નીચે મુજબ ફેરફાર અને વ્યવસ્થા કરવામાં આવી છે:

  • ટ્રેન નંબર 09079 (મુંબઈ સેન્ટ્રલ થી ઈન્દોર): આ ટ્રેન દર મંગળવાર અને રવિવારના રોજ રાત્રે 11:20 વાગ્યે મુંબઈથી રવાના થશે. બીજા દિવસે સવારે ૦૭:૧૦ કલાકે તે દાહોદ સ્ટેશન પહોંચશે અને માત્ર 2 મિનિટના ટૂંકા વિરામ બાદ ઈન્દોર તરફ આગળ વધશે.

  • ટ્રેન નંબર 09080 (ઈન્દોર થી મુંબઈ સેન્ટ્રલ): પરત ફરતી વખતે આ ટ્રેન દર સોમવાર અને બુધવારના રોજ સાંજે 05:00 વાગ્યે ઈન્દોરથી ઉપડશે. રાત્રે ૦૯:૫૫ કલાકે દાહોદ સ્ટેશન પર ટૂંકું રોકાણ કરી તે મુંબઈ તરફ પ્રસ્થાન કરશે.

આ પણ વાંચો: ગેસ ભરાવવા જઈ રહેલા રિક્ષાચાલકને કાળ ભરખી ગયો : અજાણ્યા વાહનની ટક્કરે થયું મોત, વાહન ચાલક ફરાર

મુખ્ય સ્ટોપેજ અને કોચની સુવિધા

આ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તેના રૂટ દરમિયાન મહત્વના શહેરોને જોડશે. જેના મુખ્ય સ્ટોપેજ નીચે મુજબ રહેશે:

1. વાપી

2. સુરત

3. વડોદરા

4. દાહોદ

5. રતલામ

6. ઉજ્જૈન

હાલના આયોજન મુજબ, આ ટ્રેનમાં 3 કોચ રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે એસી કેટેગરીના હશે. જોકે, મુસાફરોની માંગ અને ધસારાને જોતા ભવિષ્યમાં કોચની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.

શ્રમિકો અને વિદ્યાર્થીઓને મોટી રાહત

લાંબા સમયથી મુસાફરો દ્વારા આ રૂટ પર વધારાની ટ્રેનની માંગ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને મધ્યપ્રદેશથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી અર્થે આવતા શ્રમિકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મહાકાલના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુસાફરો આ ટ્રેનનું બુકિંગ રેલવેની સત્તાવાર વેબસાઇટ IRCTC અથવા કોઈપણ રેલવે ટિકિટ બારી પરથી કરાવી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now