Home Gujarat Vadodara Vadodara Hit And Run Ajwa Road Rickshaw Driver Accident Live Lost News

ગેસ ભરાવવા જઈ રહેલા રિક્ષાચાલકને કાળ ભરખી ગયો : અજાણ્યા વાહનની ટક્કરે થયું મોત, વાહન ચાલક ફરાર

Vadodara hit and run
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 03:41 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ પર ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં ગેસ ભરાવવા જઈ રહેલા મધ્યમવર્ગીય રિક્ષાચાલકને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાયોનિયર કોલેજ પાસે કાળમુખો અકસ્માત

ઘટનાની વિગતો મુજબ, વાઘોડીયા તાલુકાના આમોદર ગામે દરબાર ફળીયામાં રહેતા ૪૯ વર્ષીય કમલેશસિંહ નટવરસિંહ ચાવડા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ તેઓ નિત્યક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને આજવા રોડ પર આવેલી પાયોનિયર કોલેજ પાસેના સીએનજી (CNG) પંપ પર ગેસ પુરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

આ પણ વાંચો: ધો.12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર : નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂનમાં પૂરક પરીક્ષા, 'બેસ્ટ ઓફ ટુ' નો મળશે લાભ

ભારે ઈજાઓ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો

ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાના કૂચડો બોલી ગયો હતો અને કમલેશસિંહ રિક્ષામાં જ લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક અસરથી નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પરિવારમાં પહોંચતા જ આમોદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત શરૂ કરી

આ ઘટના અંગે મૃતકના સંબંધી મિહિરસિંહ ચાવડાએ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસ પાયોનિયર કોલેજ અને આસપાસના શોરૂમ્સ તથા રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ કપુરાઈ પોલીસ ચલાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now