Home Gujarat Cm Bhupendra Patel Flagged Off The Grand Procession Of Lord Jhulelal Chetichands Greetings To Sindhi Community

અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 10:33 AM IST

અમદાવાદ: સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે 'ચેટીચાંદ'ના પવિત્ર પર્વની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા પાટિયા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે સમગ્ર સિંધી સમાજને ચેટીચાંદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સિંધી સમાજે પોતાના સાહસ, પરિશ્રમ અને પુરુષાર્થ થકી વેપાર-વાણિજ્ય સહિતના અનેક ક્ષેત્રોમાં સફળતાનો પરચમ લહેરાવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેટીચાંદ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંધી સમાજના પ્રદાનની સરાહના કરતા કહ્યું કે, આ સમાજે ગુજરાતની સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી જઈને રાજ્યના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપ્યું છે. ચેટીચાંદ એ દરિયાદેવની આરાધનાનો ઉત્સવ છે અને ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આ ઉત્સવની ઉજવણી સોનામાં સુગંધ ભળે તેવો અહેસાસ કરાવે છે.

સિંધી સમાજ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મંત્રનો જીવંત પુરાવો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંધી સમાજની દેશભક્તિ અને સાંસ્કૃતિક નિષ્ઠા વિશે વાત કરતા જણાવ્યું કે, સિંધમાંથી આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર આ સમાજે પોતાની ભાષા અને અસ્મિતાને જીવંત રાખી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિંધી સમાજની આ ભાવના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "એક ભારત, શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરે છે. નવી પેઢી પોતાની ભવ્ય વિરાસત અને પરંપરાઓ સાથે જોડાયેલી રહે તે માટે આવા સામૂહિક ધાર્મિક આયોજનો ખૂબ જ મહત્વના છે.

વડાપ્રધાનના જન-અભિયાનોમાં સહભાગી થવા CMની અપીલ

ચેટીચાંદના આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંધી સમાજની દેશભક્તિ અને કાર્યનિષ્ઠાની પ્રશંસા કરવાની સાથે તેમને સામાજિક જવાબદારીના કાર્યોમાં પણ અગ્રેસર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિંધી સમાજ હંમેશાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા વિવિધ જન-અભિયાનોમાં પણ આ સમાજ પોતાની સક્રિય ભૂમિકા ભજવે તે અનિવાર્ય છે. ખાસ કરીને પર્યાવરણ જતનના ઉમદા હેતુથી શરૂ કરાયેલ 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવા, જળ સંરક્ષણ માટેના 'કેચ ધ રેઈન' અભિયાનને વેગ આપવા અને નિર્મળ ગુજરાતના સંકલ્પ સાથે 'સ્વચ્છ ભારત' અભિયાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા તેમણે સિંધી સમાજના ભાઈ-બહેનોને હાર્દિક અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ પણ સમાજ ધાર્મિક ઉત્સવોની સાથે સામાજિક સુધારણા અને રાષ્ટ્રહિતના કાર્યોને જોડે છે, ત્યારે તે સાચા અર્થમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મંત્રને સાર્થક કરે છે. સિંધી સમાજની શક્તિ અને પુરુષાર્થ જો આ જન-અભિયાનોમાં ભળશે, તો ગુજરાતના વિકાસની ગતિ વધુ તેજ બનશે અને આવનારી પેઢીને આપણે વધુ સુરક્ષિત અને સ્વચ્છ પર્યાવરણ ભેટમાં આપી શકીશું.

આ તમામ લોકહિતના કાર્યોમાં સિંધી સમાજ પોતાની ગતિશીલતા સાથે સક્રિય રીતે સહભાગી બને તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આપેલું બલિદાન અપ્રતિમ

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાનીએ જણાવ્યું હતું કે, સિંધી સમાજે ધર્મ અને પોતાની સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના વતનને છોડીને ભારતને અપનાવ્યું છે. આજે આ સમાજ દેશના અર્થતંત્ર અને વિકાસમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને સિંધી સમાજના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન નરોડા વિસ્તાર 'જય ઝૂલેલાલ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now