ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તાલાલા શહેરમાં ગુંદરણ રોડ પર બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. મોટરસાયકલ અથડાવાની એક સામાન્ય બનાવ મામલે પહેલા બોલાચાલી થઈ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
તાલાલામાં બે જૂથ વચ્ચે અથડામણ
બે જૂથો સામસામે આવી જતા એકબીજા સાથે મારામારી કરી હતી, જેમાં બંને પક્ષના મળીને ત્રણ જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ બંને જૂથના લોકો વચ્ચે વાદ વિવાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં પણ થોડી બબાલ સર્જાઈ હતી.
પોલીસે મામલો થાળે પાડ્યો
મારામારીનો સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અત્રે જણાવીએ કે, તાલાલા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. હાલ સમગ્ર પરિસ્થિતિ પોલીસના નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી છે