સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોકના ગણપતિ મહોત્સવમાં જાણીતા રાજકારણી અલ્પેશ કથીરિયા સાથે ગંભીર વિવાદ સર્જાયો છે. પહેલાં એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં અલ્પેશ કથિરિયા આયોજકને ધમકી આપે છે, ત્યારબાદ હવે પોલીસ સાથે તુ તુ મેં મેં નો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તંગદિલી અને ધકકામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા છે.
સ્ટેજ પર સ્થાન ન અપાતા ઉગ્ર બબાલ?
વિવાદનું મૂળ કારણ એ હતું કે અલ્પેશ કથીરિયાને સ્ટેજ પર બોલાવવામાં નહીં આવતા તેમણે અને તેમના સમર્થકોએ આકરો વિરોધ દર્શાવ્યો હતો. જેમના દાવાઓ મુજબ, ગણપતિ મહોત્સવના આયોજકોએ રાજકીય કારણસર તેમને સ્ટેજ પર બોલાવવાનું ટાળ્યું હતું. આ કારણે સ્થિતિ એટલી વિગરાઈ ગઈ કે ગણપતિ મંડપમાં સોશિયલ માધ્યમો પર વાયરલ થયેલા વીડિયો અનુસાર ઝપાઝપી અને મારામારી પણ થઈ.
પોલીસે લાઠીચાર્જ કર્યો
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે પણ ઉગ્ર વાદવિવાદ કર્યા હતા. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિવાદ બાદ બંને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં વાતચીત કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, લાઠીચાર્જ વીડિયો વાયરલ થયો...!
આ સમગ્ર મામલો હવે રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સમગ્ર ઘટનાને લઈને હજી સુધી કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. છતાં જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ્પેશ કથીરિયાએ આ વિવાદ પહેલા આયોજકને ફોન કરીને ધમકી આપી હોવાની વિગતો પણ બહાર આવી છે.