ગઈ કાલે લદ્દાખના સિયાચીન ગ્લેશિયર પર એક વિશાળ હિમસ્ખલન થયું હતું, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં સૈનિકોને -60 ડિગ્રી ઠંડી, ભારે પવન અને બર્ફીલા જોખમોનો સામનો કરવો પડે છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ હિમસ્ખલનમાં ફસાઈ ગયા. આ હિમસ્ખલનમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના એક આર્મી જવાન શહીદ થયા છે. ત્રણેય સૈનિકો મહાર રેજિમેન્ટના હતા. જેમા એક ગુજરાતના ગીર સોમનાથ, એક ઉત્તર પ્રદેશ અને એક ઝારખંડના હતા. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્લાઈડીંગ થવાથી ગીર સોમનાથના ચોરવાડ તાલુકાના રાકેશભાઈ ડાભી શહીદ થયા છે. 11 સપ્ટેમ્બરના સેનાના જવાનો દ્વારા વતન ચોરવાડમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમયાત્રા નીકળશે.
ચોરવાડની સીમમાં રહેતા રાકેશભાઈ દેવભાઈ ડાભી બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં પસંદ થયા હતા. તેઓ બે વર્ષથી મહાર યુનિટમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન લેહમાં ફરજ પર હતા ત્યારે બરફનું તોફાન આવતા સ્નો સ્લાઈડીંગ થયું હતું. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્લાઈડીંગ થવાથી ચોરવાડના રાકેશભાઈ ડાભી અને અન્ય બે જવાન શહીદ થયા છે.
શિયાળા દરમિયાન સિયાચીનમાં હિમસ્ખલન સામાન્ય છે. 1984માં ઓપરેશન મેઘદૂત પછીથી અત્યાર સુધીમાં હવામાનને કારણે 1,000 થી વધુ સૈનિકો શહીદ થયા છે.