બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે તેમણે બનાસડેરીની તેમજ વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી હતી. સાથો સાથ સાંસદ ગેનીબેન પર આકરા પ્રહાર કર્યા હતાં.
''લોકોની ચિંતા કરવાનો સમય નથી...''
મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ''બનાસકાંઠા પૂરની પરિસ્થિતમાં ડૂબ્યું છે અહીંની પ્રજા પૂરમાં ડૂબી છે ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ બનાસડેરી પોતે અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી પોતેએ અહીં મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને લોકોની ચિંતા કરવાનો સમય નથી પરંતુ કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે, આ ખૂબ જ દુખદ ઘટના છે''.
'ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે'
તેમણે કહ્યું કે, ''બનાસની જનતા આ ઘટનાને ક્યારે નહીં ભૂલે કે, જેમને વોટોથી જીતાડ્યા તે કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર અધિવેશન કરી રહ્યાં છે. પાઠ ભણાવી રહ્યાં છે, શું પાઠ ભાણવવાના છે?, જ્યાં પ્રજા દુખી છે, પ્રજાને ખાવાનું નથી મળતું, પ્રજા પાણીમાં ડૂબી રહી છે, જ્યા સરકાર તમામ કામગીરી કરી રહી છે. ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે.






