વિધાનસભામાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમને લઈને ઉઠાયેલા વિવાદમાં હવે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર જવાબ આપીને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના આક્ષેપોને નકાર્યા છે. મંત્રી ડૉ. ડિંડોરએ જણાવ્યું કે, “આ મુદ્દો ખાસ કરીને અમદાવાદ શહેરની કેટલીક CBSE બોર્ડની શાળાઓને લઈને છે. RTE હેઠળ બાળકોને પ્રવેશ 1 એપ્રિલથી આપવામાં આવે છે અને CBSE શાળાઓમાં અંદાજે એ સમયે અભ્યાસક્રમ પણ લગભગ સમાપ્ત થઈ જતો હોય છે.”
''...સંપૂર્ણ સવિશેષ તપાસ કરવામાં આવે''
તેમણે ઉમેર્યું કે, "શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શાળામાં ક્લાસમાં બેસાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ ન થાય તે માટે સંપૂર્ણ સવિશેષ તપાસ કરવામાં આવે છે." વધુમાં કહ્યું કે, ''ઇમરાન ખેડાવાલાનું નિવેદન ગેરવાજબી છે અને આખો મુદ્દો અસ્થાને છે'' તેમ કહીને મંત્રીએ આક્ષેપોને નકારી કાઢ્યા. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર RTE પછીના ધોરણો માટે પણ વિચાર કરે છે. "મુખ્યમંત્રી જ્ઞાન શક્તિ યોજના" હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ (Scholarship) આપવામાં આવે છે જેથી તેમની શિક્ષણ યાત્રા અટકે નહીં.
શિક્ષકોની ભરતી મુદ્દે પણ આપ્યો જવાબ
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે શિક્ષક ભરતી મુદ્દે પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "રાજ્ય સરકાર સમયસર ભરતી કરે છે, પરંતુ ધોરણ 6 થી 8 માટેનું મામલો હાલ કોર્ટમાં હોવાથી તેમાં વિલંબ થયો છે." તેમણે ઉમેર્યું કે, "કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવી છે અને સાથે સાથે જ્ઞાન સહાયકની ભરતી પણ ચાલુ છે."
“મારી શાળા, મારું ગૌરવ” કાર્યક્રમની જાહેરાત
ડૉ. ડિંડોરે જાહેરાત કરી કે રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી "મારી શાળા, મારું ગૌરવ" કાર્યક્રમ શરૂ કર્યો છે. “આનો ઉદ્દેશ છે કે વિદ્યાર્થી માત્ર ભણવા સુધી સીમિત ન રહે પરંતુ સારા નાગરિક બને,” એમ મંત્રીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં 1.50 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર તમામને નોકરી આપી શકે એવી સ્થિતિમાં નથી, પરંતુ મેરીટના આધારે અને સૌ માટે સમાન અવસરો આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.