વડોદરા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લાં દોઢ વર્ષમાં વડોદરા, હાલોલ અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરતા રીઢા ગુનેગાર રતનસિંહ મીણાની ધરપકડ કરી છે. રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. તે મોજ શોખ કરવા માટે મોંઘીદાટ કાર ચોરી કરતો અને એક લાખથી બે લાખ રૂપિયામાં વેચી મારતો હતો, જોકે તેણે વડોદરા, હાલોલ, કલોલ, અને સુરતમાંથી 8 ટાટા હેરિયર કાર ચોરી કરી છે. આ ટાટા હેરિયર કાર ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ કારની ડિકી છે. આ કારની ડિકી મોટી આવે છે અને એનો દારૂ સપ્લાય અને ગેરકાયદે ચીજવસ્તુની ઘૂસણખોરીમાં ઉપયોગ થાય છે. આરોપીએ ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં 76 જેટલી વિવિધ કાર ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
તે શહેરના વિવિધ વિસ્તારોમાં હરતોફરતો રહેતો અને હોટલોમાં રોકાતો હતો. આ દરમિયાન કારની રેકી કરતો હતો અને જ્યાં પણ ટાટા હેરિયર કાર દેખાય કે તરત જ તે ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો. કાર ચોરી કરવા માટે રતનસિંહ મીણા હંમેશાં તેની પાસે માસ્ટર કી, ઇલેટ્રોનિક ડિવાઇસ, ફોર-વ્હીલરની સેન્સરવાળી ચાવી, વાયર કટર, ડિસમિસ રાખતો હતો. ટાટા હેરિયરમાં કોઈ લૂપ નહોતી તેમ છતાં તે આ કારને સરળતાથી ચોરી કરી લેતો હતો અને ત્યાર બાદ એને રાજસ્થાનમાં પહોંચાડી દેતો હતો.
રતનસિંહ મીણા રેકી કર્યા બાદ કાર પાસે જઈ પહેલા તો માસ્ટર કીની મદદથી દરવાજાનું લોક તોડી નાખતો અને પછી સ્ટીયરિંગ નીચે આવેલા એક સોકેટમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કનેક્ટ કરી કારને લોક મોડમાંથી અનલોક કરતો હતો. આ દરમિયાન સાયરન ના વાગે એ માટે વાયર કટરની મદદથી કારના સાયરનના વાયર કાપી નાખતો હતો. ત્યાર બાદ કાર ચાલુ કરી સેલ્ફ ડ્રાઈવ કરીને રાજસ્થાન લઈ જતો અને કાર વેચીને ફરાર થઈ જતો હતો. ઘણી વખત પોલીસથી બચવા ચકમો આપવા કારની નંબર પ્લેટ પણ ચેન્જ કરી દેતો હતો.
