મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં એક ચકચારી અને દુખદ ઘટના સામે આવી છે, જ્યાં પુત્રે પોતાનાં જ માતા-પિતા પર ઘાતકી હુમલો કર્યો. આ ઘટનામાં પિતાનું મોત નીપજ્યું છે, જ્યારે માતાને ગંભીર ઇજાઓ થઈ છે સાથો સાથ પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી પુત્ર બાલકૃષ્ણ સુથારની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.
પિતાનું ઘટાસ્થળે જ મોત થયું હતું!
ઘટના ગઈકાલે બની હતી, જ્યારે બાલકૃષ્ણ સુથારે પોતાના પિતા હસમુખભાઈ સુથાર અને માતા ચંદ્રિકાબેન સુથાર પર બ્લેડ વડે હુમલો કર્યો હતો. તેણે તેમના ગળા, હાથ અને પગના ભાગે ગંભીર ઘા માર્યા હતા. હુમલાના પરિણામે પિતાનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે માતાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
આરોપી પુત્રે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પુત્રે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને પણ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરાવી હતી અને સાજો થતાં જ તેની પોલીસે અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે.
સુસાઈડ નોટ અને હુમલામાં વાપરવામાં આવેલ બ્લેડ આવી
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ અને હુમલામાં વાપરવામાં આવેલ બ્લેડ મળી આવ્યો છે. સુસાઈડ નોટમાં કેટલીક લેવડદેવડ અને વ્યક્તિગત તણાવ અંગેનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે, જેના આધારે પોલીસ તબીબી અને સામાજિક બંને દિશામાં તપાસ ચલાવી રહી છે.
પત્ની ઘણા સમયથી પુત્ર સાથે અલગ રહે છે
પ્રાથમિક માહિતી મુજબ, બાલકૃષ્ણ છેલ્લા કેટલાય વર્ષોથી માતા-પિતાની સંભાળ રાખતો હતો. તેની પત્ની ઘણા સમયથી પુત્ર સાથે અલગ રહે છે. એટલા માટે તે માનસિક રીતે તણાવમાં હતો અને માતાની તબિયતને લઈ પણ ચિંતિત રહેતો હતો. ઘરના અંતર્ગત પ્રશ્નો અને તણાવની સ્થિતિએ તેણે આ મોટું પગલું ભર્યું હોવાનું પોલીસે જાણવા મળ્યું છે.
આરોપી પુત્ર સઘન પૂછપરછ હાથધરાઈ
હાલમાં આરોપી પુત્ર પોલીસની કસ્ટડીમાં છે અને કેસમાં વધુ વિગતો માટે સઘન પૂછપરછ ચાલુ છે. સમગ્ર મામલામાં અનેક સામાજિક અને માનસિક તબક્કાઓની જટિલતાઓ ઉકેલવાની કામગીરી પોલીસ તરફથી હાથ ધરવામાં આવી રહી છે.