બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ભારે વરસાદ અસરગ્રસ્ત સુઈગામ પહોંચીને વરસાદી વિસ્તારોના લોકો સાથે વાતચીત કરીને નુકસાનની જાત માહિતી મેળવી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ રાહત કામગીરી અંગે સંવાદ કર્યો હતો. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી પૂરને પગલે થયેલા નુકસાન અંગે સ્થાનિક અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
'સરકાર તમારી સાથે છે'
પૂરગ્રસ્ત લોકોએ મુખ્યમંત્રીને પોતાની મુશ્કેલીઓ અને હાલત વિશે જણાવતાં, મુખ્યમંત્રીએ ધીરજ રાખવા માટે પ્રેરણા આપી અને લોકોને ભરોસાપૂર્વક કહ્યું કે, "સરકાર તમારી સાથે છે અને દરેક રીતે સહાય કરશે."
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો અને સરકારની તત્કાલિન તથા લંબાગાળાની રાહત યોજના અંગે માહિતી આપી હૈયા ધારણા આપી હતી. તેમનું કહેવું હતું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરશે. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને રાહત કામગીરીની સમીક્ષા કરી. સ્થાનિક પ્રશાસનને લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા ખાસ સૂચનાઓ પણ આપી.
મુખ્યમંત્રી સૂઇગામ સી.એચ.સી.ના આશ્રયસ્થાનમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને પણ મળ્યા હતા અને આશ્રય સ્થાનની જરૂરી સુવિધાઓ અંગે વિગતો મેળવી હતી. ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે આ અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારની મુલાકાતમાં સાથે જોડાયા હતા