ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે જી.એસ.ટી ઘટાડા મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. જય નારાયણ વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સુરત હીરા ઉદ્યોગ માટે માત્ર ગુજરાતનું જ નહીં પણ વિશ્વનું એક મહત્વનું કેન્દ્ર બનીને ઉપસ્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વ બજારમાં વેચાતા લગભગ 90 ટકા હીરા એક યા બીજા સમયે સુરતમાંથી પસાર થાય છે. હીરા અને જવેલરી ઉદ્યોગ થકી સીધી—આડકતરી રીતે સુરતમાં લગભગ 8 થી 10 લાખ કારીગરો રોજી મેળવે છે. સુરત ખાતેની હીરા ઉદ્યોગની આ પ્રવૃત્તિ છેલ્લા સાડા છ દાયકા કરતાં વધુ સમયથી સતત વિકસતી રહી છે. કોઈપણ ઉદ્યોગ આટલો લાંબો સમય ચાલે એટલે તેમાં ચઢાવઉતાર તો આવવાના જ''.
'બે-ત્રણ વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ પડકારોનો સામનો કરી રહ્યો છે'
તેમણે કહ્યું કે, ટેકનોલોજી અપગ્રેડેશન હોય, પૂરના પાણી ફરી વળ્યા હોય કે પછી પ્લેગ અથવા કોવિડ જેવી મહામારીનો આતંક હોય, હીરા ઉદ્યોગે અનેક ચડતી પડતી જોઈ છે અને એમાંથી ઊભા થઈને સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. સુરતના હીરા ઉદ્યોગ સાથે ભાવનગર અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના તેમજ પાલનપુર અને ડીસા જેવા ઉત્તર ગુજરાતના કારખાના સીધી રીતે જોડાયેલા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ત્રણ મોટા પરિબળોને કારણે પડકારોનો સામનો કરી રહ્યો છે
''સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે''
આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, ''કોંગ્રેસની સરકારમાં 1992માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવેલું હતું. ત્યારબાદ ભાજપની સરકારે આ બોર્ડ બંધ કરી દીધેલું છે. જ્યારે 2008માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં 1200 કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને 2012માં આ રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના સંપૂર્ણ બંધ કરી દીધી હતી. આમ હીરા ઉદ્યોગની સંપૂર્ણ અનદેખી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો એ શ્રમિકો છે અને શ્રમિકો પાસેથી ક્યારેય વ્યવસાય વેરો લઈ શકાય નહીં, આમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે''.