મુખ્યમંત્રી ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. મુખ્યમંત્રી સૂઇગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોત્રા સબ સ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા.
વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કર્યું
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત, ધારાસભ્યઓ સ્વરૂપજી ઠાકોર, અનિકેત ઠાકર, પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી અને સ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી ગુરુવારે સાંજથી જ શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટર્નરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી હતી
296 જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી
સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી. આ સમિક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહીર પટેલે સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં 3416 ચોરસ કિલોમીટર વિસ્તારના 296 જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
181થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને સ્થળાંતરની વિગતો આપતા આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, 4 તાલુકાઓમાં કુલ 228 લોકોનું રેસ્ક્યુ અને 6800થી વધુ અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. એટલું જ નહીં, એન.ડી.આર.એફ.ની 2 ટીમ અને એસ.ડી.આર.એફની 3 ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તૈનાત છે. રાજ્ય સરકાર દ્વારા 15 કિલો ખાદ્ય સામગ્રીની એક એવી 18 હજાર કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને 3 લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે. અસરગ્રસ્ત તાલુકાઓમાં બધા જ સબ સ્ટેશનમાં વીજ પુરવઠો કાર્યરત છે અને 213 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે દુરસ્ત કરીને 181થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો છે.
168 ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો
પાણી પુરવઠાની વિગતો આપતા જિલ્લા કલેકટર મિહીર પટેલે જણાવ્યું હતુ કે, અસરગ્રસ્ત 4 તાલુકાના 295 ગામો પૈકી 168 ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે અને બધાજ ગામોમાં પીવાનું પાણી મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડવામાં આવી છે. અસરગ્રસ્ત ગામોમાં વરસાદના પાણીને કારણે રોગચાળો-બીમારી ન ફેલાય તેની આરોગ્યલક્ષી તકેદારી સાથે 207 મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરીને 7600 ઉપરાંત ક્લોરિન ટેબ્લેટ, 1040 જેટલા ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે તેમ જ હાઉસ ટુ હાઉસ આરોગ્યલક્ષી સર્વે કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવા તંત્ર પ્રતિબદ્ધ છે.
નાગલા અને ખાનપુર ગામોની મુલાકાત લીધી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાણીનું ક્લોરીનેશન મૂળ સોર્સથી જ કરાવીને વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી હતી. મુખ્યમંત્રી સુઈગામની તેમની મુલાકાત બાદ મોડી સાંજે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુર ગામોમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને આ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.