ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ જોરદાર ગરમાયું છે. દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના ઉમેદવારો સામ સામે ઉતર્યા છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'ભાજપના જ બંને દિગ્ગજ નેતાઓ આમને સામને ચૂંટણીમાં ઝંપલાવતા પાર્ટીએ પ્રયત્નો કરવા જોઈએ પરંતુ કોઈ ચિંતા નથી'.
'પ્રકાશ દેસાઈ માટે કેમ ચિંતા કરી તે પણ પ્રશ્ન છે?'
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'ભાજપ શિસ્તબંધ પાર્ટી છે, તે અન્ય પાર્ટીમાં તમને જોવા મળશે નહીં, છતાં પણ આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે આખી પાર્ટીને નુકસાન પણ થતું હોય છે. જેને ગંભીરતાથી જવાબદાર લોકોએ ચિંતા કરવી જોઈએ તે નથી કરી. ઉમેદવારો જેટલા પણ હતા એટલા બધામાં મેડેન્ટ આપવા માટે જિલ્લા કક્ષાએથી જે સંકલન થવું જોઈએ તે સંકલન નથી થયું. વધુમાં કહ્યું કે, પ્રદેશ કક્ષાથી કંઈ સમજાતું નથી કે, આ કોના કહેવાથી મેડેન્ટ આપી દીધા છે. તેમાં પણ મેડેન્ટ આપ્યા પછી એક પ્રકાશ દેસાઈ એકલાને જ બિન હરિફ કર્યો છે. જેના કારણે પાર્ટીમાં પણ નારાજગી છે. જો બિન હરિફ કરવાના હતા તો બધા માટે ચિંતા વ્યક્ત કરવાની હતી, એક જ વ્યક્તિ પ્રકાશ દેસાઈ માટે કેમ ચિંતા કરી તે પણ પ્રશ્ન છે?'
''...નુકસાન જશે તે વાતની ચિંતા''
મનસુખ વસાવાએ જણાવ્યું કે, ''હું સ્પષ્ટ માનું છું કે, દૂધધારા ડેરીનો કરોડો રૂપિયાનો ટન ઓવર છે. દૂધ ઉત્પાદન ક્ષેત્ર કામ કરનારા પશુપાલકોનું શોષણ ન થવું જોઈએ. દૂધનો ઉપયોગ કરનારા લોકોને પણ શુદ્ધ દૂધ મળે તે પણ મારો આગ્રહ રહ્યો છે. તેમજ પાર્ટીએ પ્રયત્ન કરવા જોઈએ જેનાથી આવનાર દિવસોમાં પક્ષ નુકસાન ન થાય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મોટું નુકસાન જશે તે વાતની ચિંતા છે. પાર્ટી માટે આખી જિંદગી ખર્ચી નાંખી ત્યારે અમને ચિંતા થવાની જ છે''.