અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગંગારામ ચાની કીટલી પાસે ગઈકાલે રાત્રે એક ખુની ખેલ ખેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના એક જૂની અદાવતના પરિણામે બની હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તીક્ષ્ણ હથિયારો વડે યુવકની હત્યા
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, લગભગ છથી સાત અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે યુવક પર આકસ્મિક હુમલો કર્યો હતો. હુમલાની ગંભીરતા એટલી વધારે હતી કે, યુવક નેશલભાઈ પરેશભાઈ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયો અને તેની ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ તેમની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. પ્રાથમિક તબક્કામાં હુમલાના કારણ તરીકે જૂની અદાવત હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પોલીસે CCTV કેમેરાની તપાસ હાથધરી
પાલડી વિસ્તારમાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે, જેથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી શકે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.