વડોદરા જિલ્લાના ધનોરા જળાશયના ઇજારદાર ગફુરભાઈ ભટ્ટીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે તેમની મહેનત અને કુશળતાથી એક અનોખી ગાથા લખી છે. ભરૂચના વતની હોવા છતાં, તેમણે વડોદરામાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો અને પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ 'શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ગુજરાત રાજ્ય-2025 નો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
49 વર્ષીય ગફુરભાઈને મત્સ્યઉછેરનો 20 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. આ અનુભવ થકી તેઓ ભારતીય મેજર કાર્પ જેવી માછલીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરે છે. તેઓ 194 હેક્ટરના વિશાળ ધનોરા જળાશયનું સંચાલન કરે છે, જ્યાં તેઓ માછલીઓના બિયારણથી લઈને મોટા કદ સુધી ઉછેર કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માછલીઓનું ઉત્પાદન મેળવે છે. તેમની આ મહેનતને કારણે જ માછલીઓનો સર્વાઈવલ રેટ ઊંચો રહે છે અને ધાર્યું ઉત્પાદન પણ મળી રહ્યું છે.
ગફુરભાઈની સફળતામાં સરકારની સહાયનો પણ મોટો ફાળો છે. તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી છે, જેના થકી તેમને તેમના વ્યવસાય માટે અત્યાધુનિક સાધનો મળ્યા છે. તેમને મળેલ લાઈવ ફિશ વેન્ડિંગ વાનના કારણે તેઓ જીવંત માછલીઓ સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે, જેની બજારમાં ખૂબ માંગ છે. આ ઉપરાંત, તેમને એફઆરપી અને ટીન બોટ પણ મળી છે, જેણે તેમના વ્યવસાયને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવ્યો છે.
ગફુરભાઈની સફળતા માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે સ્થાનિક માછીમારો અને ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. તેમના પ્રયાસોથી સ્થાનિક માછીમારોને આજીવિકા મળી છે અને મત્સ્યઉદ્યોગને ટકાઉ બનાવવા માટે પણ એક મોડેલ પૂરું પડ્યું છે.
આ અંગે વડોદરાના મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક રમેશ કુમાર સખરેલિયાએ જણાવ્યું કે ગફુરભાઈનું નામ શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂતની શ્રેણીમાં સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેરકપોર ખાતે નોંધણી કરાવેલ. જે અન્વયે તેમને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિન ના કાર્યક્રમ માં આ એવોર્ડ એનાયત કરાયેલ અને તેમને આ પુરસ્કાર મળવો એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અદ્ભુત ભૂરી ક્રાંતિ સર્જાઈ છે. જેમાં પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ ગફૂરભાઈ જેવા અનેક મત્સ્ય ખેડૂતોએ સમૃદ્ધિનો પથ અપનાવી લીધો છે.