બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે બની રહેલા 220 કેવીના સબ સ્ટેશનનો ગામલોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ સબ સ્ટેશન સરકારી ગૌચર જમીન પર બનતું હોવાથી, ગામના પર્યાવરણપ્રેમી યુવાનો, માલધારીઓ તથા તમામ સમાજના લોકોએ એકજૂથ થઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
"ગૌચર બચાવો" નારા સાથે વિરોધ નોંધાવ્યો
વિરોધ દરમિયાન ગામલોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને તેમણે "ગૌચર બચાવો", "એક પેડ મા કે નામ" જેવા સુત્રોચ્ચારો કર્યા હતા. સાથે સાથે રામધૂન બોલાવી શાંતિપૂર્ણ પણ વિરોધ નોંધાવ્યો છે. આ જગ્યા પર્યાવરણ માટે અગત્યની માનવામાં આવે છે, જ્યાં ગામના યુવાનો દ્વારા પોતાના ખર્ચ કરીને લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચે 4 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ સબ સ્ટેશન જ્યાં બનવાનું છે તે જમીન આશરે 300 વિઘા છે અને તે ગૌચર તરીકે નોંધાયેલી સરકારી જમીન છે. ગામના માલધારીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક અસરથી કામ બંધ કરવા માગ કરી છે અને ચેતવણી આપી છે કે જો સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. માલધારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ પોતાના પશુઓ સાથે મામલતદાર કચેરીએ જઈ વિરોધ વ્યક્ત કરશે. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે વિકાસ જરુરી છે, પરંતુ પર્યાવરણની હાની અને પશુઓની ચરાગાહનો નાશ કરવો પણ યોગ્ય નથી.