PM Modi Gujarat tour : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગરના મહેમાન બનશે. જેઓ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. PM મોદીનો મુલાકાત દરમિયાન ભાવનગરના જવાહર મેદાનમાં એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લખનીય છે કે, PM મોદીનું ભવ્ય રોડ શો પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
એમઓયુ પર હસ્તાક્ષર કરાશે
આ પ્રસંગે PM મોદી શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પોર્ટ એન્ડ શિપિંગથી સંકળાયેલા મુદ્દાઓ પર મહત્વની જાહેરાતો કરશે. સાથે જ કેટલાક મહત્ત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પણ કરાશે, જે રાજ્યના મેરિટાઈમ સેક્ટરના વિકાસ માટે માર્ગદર્શક બનશે.
27 જેટલી વિવિધ સમિતિઓની રચના
PM મોદીના આ પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે જિલ્લા કક્ષાએ 27 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. દરેક સમિતિને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો અને વિવિધ સમિતિઓના અધ્યક્ષો પણ તૈયારીઓમાં સક્રિયભૂમિકા નિભાવી રહ્યા છે. આ પ્રવાસ ભાવનગર માટે કેવળ રાજકીય નહીં પણ ઔદ્યોગિક અને ઢાંચાકીય વિકાસની દૃષ્ટિએ પણ મહત્વનો બની રહશે.