અમદાવાદના પૂર્વમાં આવેલા વિરાટનગર વિસ્તારમાં પાટીદાર અગ્રણી અને બિલ્ડરની હત્યા કેસમાં પોલીસે હત્યા કરનાર આરોપીઓને દબોચી લીધા છે. જાણીતા બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસને લઈ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમને સોપારી આપી હોવાનું ખુલ્યું હતું. જે સોપારી હિંમત રૂડાણીના પૂર્વ પાર્ટનર દ્વારા આપવામાં આવી હતી. જે મામલે પોલીસે સોપારી આપનાર આરોપી બિલ્ડરની પણ ધરપકડ કરી છે.
''1 કરોડ રોકડા અને મકાન...''
આ સમગ્ર કેસ મામલે ACP કૃણાલ દેસાઈએ કહ્યું કે, ''વિરાટનગરમાં થયેલી બિલ્ડરની હત્યા મામલે પોલીસે સોપારી આપનાર આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરી છે. મનસુખે એક વર્ષ અગાઉ હત્યા કરનાર આરોપીને હાથપગ તોડવા માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપીએ હાથપગ તોડ્યા નહોતા. જેથી મનસુખે બીજીવાર કહ્યું હતું કે તને પૈસા આપ્યા છતાં તે કામ કર્યું નથી. જ્યારે બીજી વખત સોપારી આપી ત્યારે 1 કરોડ રોકડા અને મકાન આપવાનું જણાવ્યું હતું. આરોપીએ હત્યા કરીને મનસુખને લાશના ફોટો મોકલ્યા હતા''
હત્યા કરનાર આરોપીઓના નામ
(1) હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ રહે.હિરાવાડી, અમદાવાદ શહેર
(2) પપ્પુ હિરાજી મેઘવાલ રહે.જાવલ શીરોહી
(૩) કાયદાના સંધર્ષમાં આવેલ એક બાળક
હિંમત રૂડાણીની હત્યા
મર્સિડીઝ કારમાંથી શંકાસ્પદ દુર્ગંધ આવતાં આસપાસના સ્થાનિક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી. જાણ મળતાની સાથે ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્યાં તપાસ હાથ ધરી અને કારમાંથી એક પુરુષનું લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યું, જેની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ હતી.
શરીર પરથી તીક્ષ્ણ ઘાના નિશાન મળી આવ્યા
મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારેલા અનેક નિશાન મળી આવ્યા હતા, મૃતક હિંમતભાઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય હતા અને પાટીદાર સમાજમાં તેમનો ઉંચો દરજ્જો હતો.