નર્મદા જિલ્લામાં નવા ચિકદા તાલુકાનો આજે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો અને આ સાથે જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ. નોંધનીય છે કે, 1997ના ગાંધી જયંતિના દિવસે નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા સાથે 5 તાલુકાની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં નવી 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લાનો ચિકદા તાલુકો પણ સમાવિષ્ટ છે.
“આવી ભૂલ ફરી ન થાય એ માટે હું ધ્યાન દોરું છું.”
તાલુકાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા અને કલેક્ટર હાજર રહ્યા હતા. જોકે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ મળ્યું નહોતું, જેને લઈને વિવાદ સર્જાયો હતો. ચૈતર વસાવા લોકોથી માહિતી મળી બાદ કાર્યક્રમ સ્થળે આવ્યા હતા અને મંચ પર જ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમનો આક્ષેપ હતો કે, “મને ધારાસભ્ય હોવા છતાં આમંત્રણ ન મળવું એ મારી નહિ, પણ મારે વિસ્તારના લોકોએ જે મત આપ્યા છે તેમનું અપમાન છે.” તેમણે એ પણ ઉમેર્યું કે, “આવી ભૂલ ફરી ન થાય એ માટે હું ધ્યાન દોરું છું.”
“તાલુકાના વિરોધને રાજકીય રંગ ન આપો''
કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, “નવો તાલુકો બનશે તો જિલ્લા વિકાસમાં તેજી આવશે, શરૂઆતમાં કેટલીક તકલીફો તો આવશે પણ મોટા પ્રશ્નો માટે અમે હાજર છીએ. જો સરકાર સામે વિરોધ કરશો તો તમારું જ નુકશાન થશે.” તેઓએ એ પણ સ્પષ્ટ કહ્યું કે, “તાલુકાના વિરોધને રાજકીય રંગ ન આપો, સરકારના નિર્ણયો સામે સંઘર્ષમાં આવવું યોગ્ય નથી.” તેમનું સંબોધન આડકતરી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને સંભળાવાયું હોવાનું માની શકાય.