ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી રાજકીય કેટલીક ચર્ચાનો હવે અંત આવવાની તૈયારી છે. કારણ કે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, આવતીકાલે એટલે કે, 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે. જે માટે સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ ભરાશે.
4 ઓક્ટોબરના રોજ મતદાન થશે
આવતીકાલે એટલે 3 ઓક્ટોબરના રોજ 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.
ભાજપ વર્ષો બાદ રમશે મોટો દાવ?
ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી રત્નાકર કમલમ ખાતે પહોંચ્યા છે. અત્રે જણાવીએ કે, છેલ્લા ઘણા દિવસોથી રત્નાકર બિહાર ચૂંટણીમાં વ્યસ્ત હતા. જો કે, હવે ગુજરાતના રાજકારણમાં હલચલ થતા સંગઠન પ્રભારી એક્શનમાં આવ્યા છે. ત્યારે ગમે તે ઘડીએ નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, OBC ચેહરો જ ભાજપના નવા અધ્યક્ષ બનશે તેવી પણ ચર્ચા તેજ બની છે.
''જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી''
કમલમ ખાતે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જ્યાં મંડપ બાંધવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. 24 કલાકની અંદર જ ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. નવા પ્રમુખના પદભારને લઇ કમલમ ખાતે તૈયારીઓ તેજ છે ત્યારે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા એવી છે કે, જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી છે.