પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દશેરાના પાવન દિવસે અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના સિગ્નલ ફળિયાના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા કાચા અને પક્કા દબાણોને તોડી પાડવામાં આવ્યા. આ સ્થળે લગભગ 35 જેટલા ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પર ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
અસામાજિક તત્વો સામે કડક પગલાં
વિશેષ વાત એ છે કે આ વિસ્તારમાં કરાયેલા દબાણોમાં કેટલાક એવા આરોપીઓના મકાનો પણ હતા, જેઓએ માર્ચમાં ગોધરા નજીક ભામૈયા ગામના શિવમંદિરમાં તોડફોડ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેતાં તંત્રએ દશેરાના દિવસે, એટલે કે "સત્યનો અસત્ય પર વિજય"ની કાર્યવાહી ગણાવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જણાવ્યું હતું કે, "અસત્ય પર સત્યનો આજે વિજય થયો છે"
પોલીસ સ્ટેશનના હુમલાખોરની દસ્તાવેજોની ચકાસણી!
આ સમગ્ર કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે અમલમાં મૂકવામાં આવી હતી. ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ અને મધ્ય ગુજરાત વીજ કંપની સહિતના વિભાગોએ સંયુક્ત ડિમોલિશન ડ્રાઇવ ચલાવીને કારવાઈ સંપન્ન કરી. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે અગાઉ થયેલા હુમલામાં સંડોવાયેલા 200થી વધુ શખ્સોના ગેરકાયદેસર મકાનો અને મિલ્કતો અંગે પણ તપાસ ચાલુ છે. તેમની મિલ્કતના દસ્તાવેજોની ચકાસણી કરાઈ રહી છે અને ચોક્કસતા આવ્યા પછી તેમનાં મકાનો પર પણ કાર્યવાહી થશે તેમ તંત્રએ સૂચના આપી છે.