Shubman Gill Eden Gardens Pitch: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. ત્યારે મંગળવારે ભારતીય ટીમના અમુક ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જેમાં કેપ્ટન શુભમન ગિલે જ્યારે પિચ જોવા પહોંચ્યા તો પિચની સ્થિતિ જોઈ તેમનાથી રહેવાયું નહીં. પિચ પર કેટલાય દિવસોથી પાણી નહતું પડ્યું, તે સૂકી અને કડક બની ગઈ હતી. ગિલે તરત જ પિચ ક્યુરેટર સુજાન મુખર્જીને બોલાવીને લાંબી વાતચીત કરી હતી. પછીથી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ક્યુરેટર સાથે પોતે પિચ ચેક કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવારે શુભમન ગિલ અને બોલિંગ કોચ મોર્ને મોર્કલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચ રમાવાની છે તે પિચ તપાસી. પિચ જોયા બાદ બંનેનું જે એક્સ્પ્રેસન હતું, તેનાથી એવું લાગ્યું કે તેઓ અસંતુષ્ટ હતા. મેનેજમેન્ટ પિચની સપાટીથી સંપૂર્ણપણે ખુશ ન હતા.
શુભમન ગિલે પિચની સ્થિતિ જોઈને ક્યુરેટર સુજાન મુખર્જીને બોલાવ્યા. બંને વચ્ચે 15 મિનિટ સુધી વાતચીત ચાલી. પિચ એકદમ સૂકી, કડક અને ભૂરા રંગની દેખાઈ રહી હતી. તેના પર અમુક જગ્યાએ થોડું ખાસ પણ જોવા મળ્યું હતું. પિચને છેલ્લા એક અઠવાડિયાથી પાણી આપ્યા વિના રાખવામાં આવી હતી.
સાંજે બાદમાં, દક્ષિણ આફ્રિકાની ટીમે પણ ઇડન ગાર્ડન્સ ખાતે પ્રેક્ટિસ કરી, જેમાં સ્પિન બોલિંગ સામે પ્રેક્ટિસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સૌરવ ગાંગુલી તે સાંજે મેદાન પર પહોંચ્યા અને પિચનું નિરીક્ષણ કર્યું, બાદમાં ક્યુરેટર સુજાન સાથે ચર્ચા કરી. મુખ્ય પિચ હજુ પણ સૂકી હતી, પરંતુ ગ્રાઉન્ડમેનોએ તેની આસપાસ પાણી છાંટ્યું હતું. ગાંગુલીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે ભારતીય ટીમે કોઈ વિનંતી કરી નથી, જેમાં સ્પિનરો માટે વધુ અનુકૂળ પિચનો પણ સમાવેશ થાય છે.
મંગળવારે ભારતીય ટીમે લગભગ 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરી હતી, જેમાં ફક્ત 7 ખેલાડીઓ સામેલ થયા હતા. ઋષભ પંત, ધ્રુવ જૂરેલ, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, દેવદત્ત પડ્ડીકલ અને અક્ષર પટેલે આમાં ભાગ નહતો લીધો.




















