ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. વિશ્વ ક્રિકેટના મહાન લેજેન્ડરી ક્રિકેટરો ફરી એકવાર ભારતની ધરતી પર પરત ફરી રહ્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) તેની બીજી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ ટૂર્નામેન્ટ 24 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે, જેમાં સંસ્કારી નગરી વડોદરાને યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. મુંબઈ અને વિઝાગની સાથે વડોદરામાં પણ વિશ્વ કક્ષાની T20 એક્શનની રોમાંચક ઉજવણી જોવા મળશે.
વડોદરાના આંગણે જૂની યાદો તાજી થશે
વડોદરા હંમેશા ક્રિકેટનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે IML ની મેચોનું અહીં આયોજન થવું એ સ્થાનિક ચાહકો માટે મોટી ભેટ છે. સીઝન-1 માં ઇન્ડિયા માસ્ટર્સ ચેમ્પિયન બન્યું હતું, જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજોએ ભાગ લીધો હતો. આ જ વેગને આગળ ધપાવતા સીઝન-2 માં પણ રમત જગતના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીઓ વડોદરાના મેદાન પર રમતા જોવા મળશે, જે ચાહકો માટે સોનેરી સ્મૃતિઓ સમાન હશે.
ભારતની બીજી સૌથી વધુ જોવાયેલી લીગ
IML એ તેની પ્રથમ સીઝનમાં જ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી હતી. TV અને OTT પ્લેટફોર્મ પર 246 મિલિયનની પહોંચ સાથે તે ભારતમાં બીજી સૌથી વધુ જોવાયેલી મેન્સ T-20 લીગ તરીકે ઉભરી આવી હતી. આ જ સફળતાને ધ્યાનમાં રાખીને બીજી સીઝનનું આયોજન વધુ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે.
લીગ કમિશનર સુનિલ ગાવસ્કરનો આશાવાદ
ટૂર્નામેન્ટ વિશે વાત કરતા લીગ કમિશનર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, "IML ની પ્રથમ સીઝને સાબિત કર્યું છે કે દિગ્ગજોનો જાદુ હજુ પણ ચાહકોમાં અકબંધ છે. સીઝન-2 માં અમારું ધ્યાન સ્પર્ધા અને અવિસ્મરણીય ક્ષણોને વધુ ઊંચાઈ પર લઈ જવાનું છે. ચાહકો તેમના હીરોને ફરી એક્શનમાં જોવા માટે આતુર છે."
6 દેશોની ટીમો વચ્ચે ટક્કર
આ સીઝનમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરતી 6 ફ્રેન્ચાઇઝી ટીમો મેદાનમાં ઉતરશે. ટૂંક સમયમાં જ વડોદરામાં રમાનારી મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ, ખેલાડીઓની યાદી અને ટિકિટિંગ માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.




















