ICC Men's ODI World Cup 2027 : T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટપ્રેમીઓની નજર 2027 માં યોજાનારા વનડે વર્લ્ડ કપ પર ટકેલી છે. આ મોટી ટૂર્નામેન્ટને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ICC એ આ વખતે ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક જૂના નિયમો અને ફોર્મેટને ફરીથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
ICC નું વાર્ષિક શિડ્યુલ
ICC હવે દર વર્ષે એક મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. 2021 માં T20 વર્લ્ડ કપ, 2022 માં T20 વર્લ્ડ કપ, 2023 માં વનડે વર્લ્ડ કપ, 2024 માં T20 વર્લ્ડ કપ, 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 માં ફરી T20 વર્લ્ડ કપ બાદ હવે 2027 માં વનડે વર્લ્ડ કપનો રમાવવાનો છે. વનડે વર્લ્ડ કપ દર ચાર વર્ષે એકવાર રમાય છે, તેથી દરેક ટીમ આ ટુર્નામેન્ટની તૈયારીઓ માટેની શરૂઆત અત્યારથી જ કરી દીધી છે અને વનડે વર્લ્ડ કપને લઈને ફેન્સમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્રણ દેશો કરશે યજમાની
સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા આગમી ક્રિકેટ વર્લ્ડ કપ 2027 નું આયોજન કરવાના છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ICC ના ફૂલ મેમ્બર હોવાથી આ ટીમોને ક્રિકેટ વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી જશે. જોકે નામિબિયાએ એસોસિયેટ મેમ્બર હોવાથી વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે ક્વોલિફાયર રાઉન્ડ રમીને પોતાની જગ્યા બનાવવી પડશે. બાકીની ટીમોની પસંદગી માર્ચ 2027 સુધીના ICC ટીમ રેન્કિંગના આધારે કરવામાં આવશે.
ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થશે?
ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની સત્તાવાર તારીખો હજુ સુધી જાહેર કરી નથી, પરંતુ હાલના રિપોર્ટ્સ મુજબ આ ટુર્નામેન્ટ ઓક્ટોબર અને નવેમ્બર 2027 દરમિયાન રમાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આફ્રિકાન દેશોનું હવામાન ક્રિકેટ માટે એકદમ અનુકૂળ હોય છે. ટૂર્નામેન્ટની ફાઇનલ અને સેમીફાઇનલ જેવી મોટી મેચો સાઉથ આફ્રિકામાં યોજાય તેવી શક્યતા છે.
વધારે ટીમોને તક
2023 ના વર્લ્ડ કપમાં માત્ર 10 ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ 2027 માં ICC એ ટીમોની સંખ્યા વધારીને 14 કરી છે. આ નિર્ણયથી વધુ નાના દેશોને પણ વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. વર્ષ 2003 પછી પહેલીવાર આફ્રિકા ખંડમાં આટલી મોટી ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.
સુપર-6 ફોર્મેટની વાપસી
આ વર્લ્ડ કપની સૌથી ખાસ વાત 'સુપર સિક્સ' ફોર્મેટની વાપસી છે. 14 ટીમોને 7-7 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપની ટોપ-3 ટીમો આગળના 'સુપર-6' રાઉન્ડમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સુપર-6 માંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 4 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે અને અંતે ફાઇનલ જંગ રમાશે.
મુખ્ય સ્ટેડિયમ અને શહેરો
ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મોટાભાગની મેચો સાઉથ આફ્રિકામાં રમાવવાની છે. જેના માટે સાઉથ આફ્રિકાના 8 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં જોહાન્સબર્ગ, કેપટાઉન, ડરબન અને સેન્ચુરિયન જેવા પ્રખ્યાત મેદાનો સામેલ છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે અને નામિબિયામાં કેટલીક મેચો રમાશે. જેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ અને વિન્ડહોકમાં પણ કેટલીક મેચોનું આયોજન કરવામાં આવશે. ભારતીય ટીમ કયા સ્થળોએ તેની મેચો રમશે તે સત્તાવાર શેડ્યૂલ જાહેર થયા પછી જ જાહેર કરવામાં આવશે.




















