Indian Cricket Team : ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ એક મહત્વની ઈચ્છા વ્યક્ત કરી છે. T20 વર્લ્ડ કપ 2026 માં ભારતને મળેલી શાનદાર સફળતાઓ બાદ અજિત અગરકરે પોતાનો કાર્યકાળ વર્ષ 2027 ના વનડે વર્લ્ડ કપ સુધી લંબાવવા માટે ઔપચારિક વિનંતી કરી છે.
અગરકરની મોટી માંગ
સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકરનો કરાર અગાઉ 2025 ની IPL પહેલા એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. જોકે, હવે જ્યારે ભારતે તેમના માર્ગદર્શન હેઠળ સતત ત્રણ ICC ટાઇટલ (2024 T20 વર્લ્ડ કપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 T20 વર્લ્ડ કપ) જીત્યું છે, ત્યારે તેમણે આગામી 50 ઓવરના ક્રિકેટ વર્લ્ડ કપ સુધી ટીમની કમાન સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે BCCI પ્રમુખ મિથુન મનહાસ અને સચિવ દેવજીત સૈકિયા તરફથી હજુ આ અંગે કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, BCCI ના અધિકારીઓ આ બાબત પર ગંભીરતાથી વિચારી રહ્યા છે.
વ્હાઇટ બોલ ક્રિકેટમાં દબદબો
અજિત અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લી 33 સફેદ બોલની મેચોમાંથી ભારત માત્ર બે જ મેચ હાર્યું છે. અજિત અગરકરના કાર્યકાળમાં ભારતે 2023 એશિયા કપ વિનર, 2023 વનડે વર્લ્ડ કપની રનર-અપ, 2024 T20 વર્લ્ડ કપ વિનર, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી વિનર, 2025 એશિયા કપ વિનર (T20 ફોર્મેટ) અને 2026 T20 વર્લ્ડ કપ પણ જીતવામાં સફળ રહ્યું છે. આ જ કારણ છે કે, ચીફ સિલેક્ટર તરીકે તેમની ક્ષમતા પર કોઈ શંકા નથી.
ટેસ્ટમાં માત્ર હાર!
એક તરફ વ્હાઇટ બોલ ક્રિકેટમાં ભારતનો વિજય રથ દોડી રહ્યો છે, તો બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં પડકારો વધ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટ-વોશ થઈ, ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) માં 3-1 થી હારી, ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ (એન્ડરસન-તેંડુલકર ટ્રોફી) માં 2-2 થી ડ્રૉ થઈ હતી. આ ખરાબ પ્રદર્શનને કારણે સિલેક્શન કમિટી સામે સવાલો ઉભા થાય છે. BCCI માં એક જૂથ બીજા પૂર્વ ક્રિકેટરને ખાસ કરીને પશ્ચિમ ઝોનના એક ક્રિકેટરને આ ચીફ સિલેક્ટરના પદ માટે સંભવિત દાવેદાર માને છે.
2027 નો રોડમેપ અને સિનિયર ખેલાડીઓ
સૌથી મોટો સવાલ એ છે કે, 2027 ના વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભૂમિકા શું હશે? અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર બંનેએ અત્યાર સુધી 'વર્તમાનમાં જીવવાની' વાત કહી છે. અગરકરનું માનવું છે કે, વર્લ્ડ કપ વખતની સ્થિતિ વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં, પરંતુ હાલ પૂરતું આ બંને દિગ્ગજો વનડે રમવાનું ચાલુ રાખશે. જો અગરકરનો કાર્યકાળ વધશે, તો 2027 નો રોડમેપ તેમના જ નેતૃત્વમાં તૈયાર થશે.




















