Home Sports Kuldeep Yadav Reception Ravindra Jadejas Wife Rivaba Jadeja Touched His Feet Took Blessings From Yogi Adityanath

Kuldeep Yadav Reception : કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 04:32 AM IST

Kuldeep Yadav Wedding Reception: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયા છે. 14 માર્ચે મસૂરીમાં વંશિકા સાથે સાદગીપૂર્વક લગ્ન કર્યા બાદ, 17 માર્ચના રોજ લખનૌની જાણીતી હોટેલ સેન્ટ્રમ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રિકેટ જગતની હસ્તીઓથી માંડીને રાજકારણના દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો. કુલદીપ અને વંશિકાની આ નવી સફરની શરૂઆતમાં આશીર્વાદ આપવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ખાસ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ રિસેપ્શનના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચા કુલદીપ યાદવની સાદગી અને સંસ્કારોની થઈ રહી છે. કુલદીપ યાદવે જે રીતે આવેલા મહેમાનો અને પોતાના સિનિયર ખેલાડીઓનું સન્માન કર્યું, તેણે નેટીઝન્સના દિલ જીતી લીધા છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને પગે લાગી આશીર્વાદ લેતો કુલદીપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે.

રીવાબા અને રવિન્દ્ર જાડેજાના આશીર્વાદ લીધા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે કુલદીપના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. જ્યારે કુલદીપ આ જોડીને મળ્યો, ત્યારે તેણે પરંપરાગત રીતે રીવાબાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ જોઈને રીવાબાએ પણ હસીને નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. આટલું જ નહીં, કુલદીપે પોતાના સિનિયર પ્લેયર રવિન્દ્ર જાડેજાને પણ પગે લાગીને માન આપ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાહકો કુલદીપના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવની હાજરી

રાજકીય જગતમાંથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રિસેપ્શનમાં પહોંચ્યા હતા, જ્યાં કુલદીપે તેમને પગે લાગી આશીર્વાદ લીધા હતા. બીજી તરફ, સપા પ્રમુખ અખિલેશ યાદવ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે કુલદીપ તેમના પગે લાગવા ઝૂક્યો, પરંતુ અખિલેશ યાદવે તેને ઉભા કરી ગળે લગાડી લીધો હતો. આ ક્ષણની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કુલદીપની પત્ની વંશિકાએ પણ અખિલેશ યાદવના આશીર્વાદ લીધા હતા.

ક્રિકેટ જગતના સિતારાઓનો જમાવડો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ ઓપનર શિખર ધવન પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. નોંધનીય છે કે શિખર ધવન પોતાની પત્ની સોફી શાઈન સાથે અહીં પહોંચ્યા હતા. આ ઉપરાંત ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ અને લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીઓએ પણ હાજરી આપી હતી. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે પણ નવપરિણીત યુગલને સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી.

મનોરંજન અને હાસ્યનો તડકો

ક્રિકેટ અને રાજકારણ સિવાય મનોરંજન જગતમાંથી જાણીતા કોમેડિયન હર્ષ ગુજરાલે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી, જેનાથી કાર્યક્રમમાં હાસ્યનો તડકો ઉમેરાયો હતો. કુલદીપના લગ્ન અને રિસેપ્શનની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહી છે અને ફેન્સ આ જોડીને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now