મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામની સરપંચ અફરોજબાનુ હાલમાં વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. તાજેતરમાં બહાર આવેલી તપાસમાં ખુલ્યું છે કે, તેમણે ચૂંટણી દરમિયાન ખોટું એફિડેવિટ રજૂ કરીને ઉંમર વિશે ખોટી માહિતી આપી હતી. તપાસ મુજબ અફરોજબાનુએ ચૂંટણી સમયે પોતાને 21 વર્ષની બતાવી હતી, જ્યારે હકીકતમાં તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. એટલે કે તેઓ કાનૂની રીતે સરપંચ બનવા માટે લાયક નહોતા.
અફરોજબાનુને સરપંચના હોદ્દેથી હટાવી દેવામાં આવ્યા
આ બાબતે મહેસાણા તાલુકા તંત્રે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. અફરોજબાનુને સરપંચના હોદ્દેથી હટાવી દેવામાં આવ્યા છે. નવા સરપંચની ચૂંટણી યોજાય ત્યાં સુધી ગામના ઉપસરપંચને તાત્કાલિક ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગુજરાત સરકારના ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખોટા દસ્તાવેજોના આધારે જાહેર પદ પર રહી શકાતું નથી.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની જરૂરિયાત
સ્થાનિક રહેવાસીઓએ તંત્રના આ પગલાને યોગ્ય ગણાવ્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને અને ગામના શાસન તંત્ર પર લોકોનો વિશ્વાસ અડગ રહે.





















