Gujarat Tourism: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદે આવેલાં હાથમતી અને ઈન્દ્રાશી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે એક અનોખું કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. વરસાદ પછી નીકળેલો આ દ્રશ્ય એટલો મોહક છે કે તેને ડ્રોનના કેમેરાથી કેદ કરવામાં આવ્યું અને સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા આ અભૂતપૂર્વ કુદરતી નજારા જોઈને તમે પણ કહેશો — આ ગુજરાત છે કે યુરોપ?
ગુજરાતની નદીનો વિદેશ જેવો નજારો-
ડ્રોન વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે લીલી હરિયાળીની વચ્ચે સફેદ ચાદર જેવી ખળખળ વહેતી પાણીની ધારા એક અનોખું દૃશ્ય સર્જે છે. ભારે વરસાદના કારણે બંને જળાશયો 100 ટકા ભરાઈ ગયાં છે અને હાલમાં એમાંથી ઓવરફ્લો થઈ રહ્યો છે — એ પણ મહત્તમ સપાટી કરતાં બે ફૂટ ઊંચો!
હાથમતી-ઈન્દ્રાશી ડેમના રમણીય ડ્રોન-
આ ઓવરફ્લો થવા સાથે જ અંદાજે 8,000 ક્યૂસેક પાણી નદીમાં વહી રહ્યું છે, જે હિંમતનગરના ગ્રામિણ વિસ્તારોમાંથી પસાર થઈને હાથમતી પિક-અપ વિયર, અને ત્યારબાદ સાબરમતી નદીમાં ભળી જાય છે. ડ્રોનથી લેવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે હાથમતી અને ઈન્દ્રાશી ડેમનો ઓવરફ્લો એક સપાટી પર ભળે છે, અને તેની આસપાસની હરિયાળી આ દૃશ્યને એકદમ ફિલ્મી ટચ આપે છે. ભારે વાદળો, ઝરમર વરસાદ અને ધીમી વાયુ સાથે આ દૃશ્ય ખરેખર મન હરી લેનારું છે.
આજે શું છે વરસાદની સ્થિતિ?
જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જે વરસાદની ગંભીરતા દર્શાવે છે, તેમ છતાં આજે થોડી શાંતિ જોવા મળી રહી છે. પરંતુ વરસાદ પછીનું આ દૃશ્ય એક વખત જોઈ લાયક છે. કુદરત કેવી રીતે પોતાનું ભવ્ય રૂપ બતાવે છે, તેનું જીવંત ઉદાહરણ અહીં જોવા મળે છે. ત્યાં જવાનો તમારો પ્લાન હોય તો વરસાદની સ્થિતિને પણ જરૂર ધ્યાને લેજો. સ્થાનિક આગાહી અને એલર્ટને અવગણશો નહીં. વરસાદી દિવસોમાં ડેમ કે નદી પાસે ન જવાનું પસંદ કરો. જો પ્રવાસ કરો તો સલામતી અને નિયમોનું પાલન અવશ્ય કરો.