Home Gujarat Know What Public Issues Imran Khedawala Raised In Thegujarat Legislative Assembly Today

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ" : જાણો આજે વિધાનસભા ગૃહમાં ઇમરાન ખેડાવાલાએ કયા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા?

"માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી,આ હોસ્પિટલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 03:15 PM IST

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેર અને રાજ્યના અનેક ગંભીર પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોર્યું છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલોની મનમાની, બાળકોના કથળતા સ્વાસ્થ્ય અને આંગણવાડીની પડતર માંગણીઓ અંગે તેમણે આક્રમક રજૂઆતો કરી હતી.

PM-JAY કાર્ડ હોવા છતાં લૂંટ: 24 હોસ્પિટલો પર લાલ આંખ

અમદાવાદ શહેરની 24 ખાનગી હોસ્પિટલો દ્વારા ગંભીર બેદરકારી અને અનિયમિતતા સામે આવી છે. PM-JAY (આયુષ્માન) કાર્ડ ધરાવતા દર્દીઓને મફત સારવાર આપવાને બદલે, આ હોસ્પિટલોએ ગેરકાયદેસર રીતે 38.60 લાખ રૂપિયા વસૂલ્યા છે. ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, "માત્ર નોટિસ કે દંડ પૂરતો નથી. આ હોસ્પિટલો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ગરીબ દર્દીને લૂંટવાની હિંમત ન કરે."

શાળાના બાળકોમાં હૃદય રોગનું વધતું પ્રમાણ: ચિંતાજનક આંકડા

અમદાવાદ શહેર અને જિલ્લાની સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં કરવામાં આવેલી આરોગ્ય તપાસના પરિણામો ચોંકાવનારા છે. કુલ 1,15,949 બાળકોની તપાસમાં 360 બાળકોને હૃદયની ગંભીર તકલીફ હોવાનું સામે આવ્યું છે.2024-25માં 170 બાળકોમાં હૃદયની બીમારી જોવા મળી, જ્યારે 2025-26માં આ આંકડો વધીને 191 થયો છે. આ ઉપરાંત કેન્સર, કિડની અને પેટ જેવી ગંભીર બીમારીઓ પણ બાળકોમાં જોવા મળી છે. ખેડાવાલાએ માંગ કરી છે કે માત્ર સરકારી જ નહીં, પણ તમામ ખાનગી શાળાઓમાં પણ વર્ષમાં બે વાર ફરજિયાત આરોગ્ય તપાસ થવી જોઈએ.

આંગણવાડી અને તેડાગર બહેનોના હક માટે અવાજ

રાજ્યના બાળકોના પોષણની જવાબદારી સંભાળતી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના વેતન અને સુવિધાઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. બહેનોને તેમના કામના બદલામાં યોગ્ય અને પૂરતું વેતન મળવું જોઈએ. અમદાવાદની 50% આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. AMC અથવા સરકાર દ્વારા તેમને સુવિધાજનક સરકારી બિલ્ડિંગ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીઓને સક્ષમ બનાવવાનો મુખ્ય હેતુ કુપોષિત બાળકોને યોગ્ય ન્યાય અને પોષણ આપવાનો છે.

કાપ દરખાસ્ત અને ગૃહની ચર્ચા

આંગણવાડી બહેનોના આંદોલન અને પડતર પ્રશ્નો અંગે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિરોધ પક્ષના નેતા શૈલેષભાઈ પરમારની આગેવાનીમાં લાવવામાં આવેલી કાપ દરખાસ્ત પર ચર્ચા થયા બાદ, તેને પરત ખેંચવામાં આવી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આશા વ્યક્ત કરી છે કે સરકાર આ તમામ ગંભીર મુદ્દાઓ પર માત્ર આશ્વાસન નહીં, પણ નક્કર અમલીકરણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now