Home Gujarat Hit And Run Accident On Dhandhuka Ranpur Road Unknown Vehicle Crushed Couple Going For Darshan

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના : મેલડી માતાના દર્શને જઈ રહેલા ગલસાણાના દંપતીનું કમકમાટીભર્યું મોત

ધંધુકા-રાણપુર માર્ગ પર હિટ એન્ડ રનની ભયાનક દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 01:53 PM IST

ધંધુકા-રાણપુર હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગલસાણા ગામનું એક દંપતી જ્યારે પગપાળા માતાજીના દર્શને જઈ રહ્યું હતું, ત્યારે એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે.

શું છે ઘટનાની વિગત?

મળતી માહિતી મુજબ, ધંધુકા તાલુકાના ગલસાણા ગામના રહેવાસી ચંદુભાઈ જેઝરીયા અને તેમના પત્ની વસંતબેન જેઝરીયા આજે વહેલી સવારે ગલસાણાથી પગપાળા નીકળી વેજલકા ગામે આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યારે આ દંપતી વાગડ અને પાટણા ગામની વચ્ચે આવેલી નર્મદા કેનાલ પાસે પહોંચ્યું, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે દંપતીએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ધંધુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કર્યું હતું અને વધુ તપાસ અર્થે મૃતદેહોને ધંધુકાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ (PM) માટે ખસેડ્યા છે. મૃતકોના નામ ચંદુભાઈ જેઝરીયા અને વસંતબેન જેઝરીયા છે. ધંધુકા પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અકસ્માતને પગલે ગલસાણા ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now