Home Gujarat Savli Vadodara Gas Leak Sharp Petrochem Lasudra Industrial Accident

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ : આસપાસના વિસ્તારમાં અફરાતફરી, જીપીસીબી અને તંત્રની કામગીરી પર સવાલ

સાવલીના લસુદ્રા નજીક શાર્પ પેટ્રોકેમમાં ગેસ લીકેજ
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:28 PM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુદ્રા ગામ નજીક આવેલી કેમિકલ ઉત્પાદન કરતી શાર્પ પેટ્રોકેમ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી નજીકની ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ સ્થાનિકોમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ કંપનીના પ્લાન્ટ વિસ્તારમાંથી અચાનક ગેસ લીક થવા લાગતા તેની તીવ્ર ગંધ આસપાસના વિસ્તારો સુધી ફેલાઈ ગઈ હતી. જેના કારણે નજીકની કેટલીક ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓને આંખોમાં બળતરા, ગળામાં ઝાળ તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અનુભવાઈ હતી. ગેસની અસરથી ગભરાયેલા કેટલાક લોકો તાત્કાલિક રીતે સ્થળ છોડીને સુરક્ષિત વિસ્તારોમાં ખસી ગયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગેસની તીવ્ર ગંધના કારણે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. નજીકના કેટલીક ઔદ્યોગિક એકમોના સંચાલકોએ પોતાના કર્મચારીઓને સાવચેતી રાખવા સૂચના આપી હતી તેમજ સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું હતું.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે છે કે નહીં. સતત વધતા ઔદ્યોગિક એકમો વચ્ચે આવી ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે.

સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સંબંધિત તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવી સંવેદનશીલ કેમિકલ કંપનીઓમાં સલામતીના માપદંડોનું કડક પાલન થાય તેની નિયમિત તપાસ થવી જરૂરી છે.

હાલ ગેસ લીકેજ કયા કારણોસર થયું, ગેસનો પ્રકાર શું હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ અથવા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી બહાર આવી નથી. ઘટનાને લઇને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now