Home Gujarat Ahmedabad Harassed By In Laws After Love Marriage Young Man Endshis Life

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી : પ્રેમલગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું, VIDEO બનાવીને ઠાલવી વ્યથા

પ્રેમલગ્ન બાદના કકળાટથી યુવકે જીવન લીલા સંકેલી
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:19 PM IST

Ahmedabad News: શહેરમાં ફરી એકવાર સામાજિક અને કૌટુંબિક કંકાસનો કરુણ અંજામ આવ્યો છે. અમદાવાદના કલાપીનગર વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમલગ્ન કર્યા બાદ પત્ની અને સાસરિયાઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને નર્મદા કેનાલમાં કૂદી જીવનલીલા સંકેલી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા યુવકે એક હૃદયદ્રાવક વીડિયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી.

કેનાલમાં કૂદીને કરી આત્મહત્યા

મળતી માહિતી મુજબ, કલાપીનગરમાં રહેતા યુવકે ગાંધીનગરના ઇન્દિરા બ્રિજ નજીક પસાર થતી કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. યુવકે આ અંતિમ ડગલું ભરતા પહેલા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પત્ની અને સાસરી પક્ષના લોકો દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.

વીડિયોમાં લગાવ્યા ગંભીર આક્ષેપ

યુવકે બનાવેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, તેણે પ્રેમલગ્ન કર્યા હોવા છતાં લગ્નજીવન સુખમય રહ્યું નહોતું. પત્ની અને સાસરિયાઓ દ્વારા તેને સતત માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. આ દબાણને કારણે તે લાંબા સમયથી હતાશામાં હતો અને અંતે મોતને વહાલું કરવાનો નિર્ણય લીધો.

પરિવારના આક્ષેપો: જાતિવાચક અપમાન અને પોલીસની નિષ્ક્રિયતા

મૃતક યુવકના પરિવારજનોએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે યુવતીના પરિવારજનો યુવકને નીચું દેખાડવા માટે જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હતા. આ ત્રાસથી કંટાળીને યુવકે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારનો દાવો છે કે યુવતીના પિતા વગદાર હોવાને કારણે અગાઉની રજૂઆતો છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી, જેના પરિણામે આજે તેમના દીકરાએ જીવ ગુમાવ્યો છે.

પોલીસ તપાસ તેજ

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે બનાવેલો વીડિયો કબજે કરીને તેમાં દર્શાવેલા નામો અને આક્ષેપોની સત્યતા તપાસવામાં આવી રહી છે. પ્રેમલગ્ન બાદ સર્જાયેલા આ કકળાટમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now