Home Gujarat Young Engineer From Company In Vadodara Ended His Life By Hanging Himself Police Investigation Starte

મારા લગ્ન ક્યારે થશે? : આ ચિંતામાં વડોદરાના L&T ના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યો, શોકનું મોજું

મારા લગ્ન ક્યારે થશે?
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:29 PM IST

Vadodara city: પ્રતિષ્ઠિત L&T કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વડોદરા શહેરના 30 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બનાવ અંગે મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના તરસાલી વિસ્તારમાં શરદનગરમાં રહેતા નીરવ ગોપાલરાવ વિચારે ખાનગી ક્ષેત્રની જાણીતી L&T કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. રોજની જેમ તેઓ નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં ગયા હતા. થોડીવાર પછી પરિવારજનોને શંકા થતા રૂમમાં તપાસ કરતા તેઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ દ્રશ્ય જોઈ પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થળની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી યુવક લગ્ન સંબંધિત બાબતોને લઈને ચિંતામાં હતો. આ કારણસર તેણે આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ, હાલ સમગ્ર મામલે અકસ્માત મોતની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. સાથે સાથે પરિવારજનોના નિવેદન સહિત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now